નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લેનારા શાહિદ્દ સિદ્દીકી સમાજવાદી પાર્ટીમાંથી હકાલપટ્ટી

28 July, 2012 06:54 AM IST  | 

નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લેનારા શાહિદ્દ સિદ્દીકી સમાજવાદી પાર્ટીમાંથી હકાલપટ્ટી


નવી દિલ્હી : તા. 28 જુલાઈ

નારાજ સમાજવાદી પાર્ટીએ સિદ્દીકીને પાર્ટીમાંથી હાંકી કાઢી તેઓ પક્ષના સત્તાવાર પ્રવક્તા પણ ન હોવાનો આક્ષેપ કર્યો છે.

સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં સિદ્દીકી હવેથી તેમની પાર્ટીમાં ન હોવાની જાહેરાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે સિદ્દીકી અગાઉ પણ ક્યારેય સમાજવાદી પાર્ટીમાં સામેલ હતા જ નહીં. તેઓ પાર્ટીમાં કોઈ સત્તાવાર પદ પર પણ ન હતાં. તેઓ ટીવી ચેનલોના કાર્યક્રમમાં પોતાને પાર્ટીના પ્રવક્તા તરીકે ઓળખાવતા, પરંતુ તેઓ સત્તાવાર રીતે પાર્ટીના પ્રવક્તા ન હતાં. મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને રાજેન્દ્ર ચૌધરી જ સત્તાવાર રીતે પાર્ટી વતી બોલવાનો અધિકાર ધરાવે છે. તેથી સિદ્દીકીને સપાના નેતા ન કહેવામાં આવે.

સિદ્દીકીની પાર્ટીમાંથી કરવામાં આવેલી હકાલપટ્ટી પાછળ તાજેતરમાં ઉર્દૂ સમાચારપત્ર માટે નરેન્દ્ર મોદીનો લેવામાં આવેલો ઈન્ટરવ્યું જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. શાહિદ સિદ્દીકીએ લીધેલા મોદીના ઈન્ટરવ્યુંથી સપાના મુસ્લીમો અને મુસ્લીમ નેતાઓમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી છે તેવામાં સમાજવાદી પાર્ટીને મુસ્લીમ વોટ બેંક ગુમાવવી પોસાય તેમ નથી. તેથી સિદ્દીકીને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જાહેર છે કે શાહિદ સિદ્દીકી એક વરિષ્ઠ પત્રકાર હોવાની સાથો સાથ એક રાજનેતા પણ છે. સિદ્દીકી પહેલા કોંગ્રેસમાં હતાં, ત્યારબાદ બસપામાં હતાં અને ગત વર્ષે 9 જાન્યુઆરીએ તેઓ સમાજવાદી પાર્ટી સાથે જોડાયા હતાં.


શાહિદ સિદ્દીકીને આપેલા ઈન્ટરવ્યુંમાં મોદીએ કહ્યું હતું કે જો ગુજરાત રમખાણોમાં તેઓ દોષિત હોય તો તેમને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવે. અને જો તેઓ નિર્દોષ છે તો તેમને બદનામ કરનારાઓએ માફી માંગવી જોઈએ. ગુજરાતમાં થયેલા કોમી રમખાણોને લઈને માફી માંગવાનો મોદીએ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.