સૌરવ ગાંગુલીના પરિવારના 2 લોકો સાથે બની ભયાવહ ઘટના, દરિયામાં ડૂબતાં-ડૂબતાં બચ્યા

27 May, 2025 06:54 AM IST  |  Puri | Gujarati Mid-day Online Correspondent

આ ભયાવહ ઘટનાને યાદ કરતાં સૌરભ ગાંગુલીની ભાભીએ કહ્યું કે બોટ લગભગ દસ માળની ઉંચાઈએ લહેરથી અથડાઈ હતી, જેના કારણે તે પલટી ગઈ, જેના કારણે તે અને સ્નેહાશિષ સહિત તમામ મુસાફરો સમુદ્રમાં ફેંકાઈ ગયા હતા. સદભાગ્યે, લાઇફગાર્ડ્સની ઝડપી કાર્યવાહીથી અમારા જીવ બચ્યા

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલી અને તેમની પત્ની અર્પિતા ઓડિશાના પુરી સમુદ્રમાં વૉટર સ્પોર્ટ્સનો આનંદ માણતી વખતે મોટી દુર્ઘટનામાં ફસાઈ ગયા હતા, જેમાંથી તેઓ માંડ માંડ બચી ગયા, પોલીસે સોમવારે જણાવ્યું.

શું ઘટના બની?

આ ઘટના શનિવારે સાંજે લાઇટહાઉસ નજીક બની હતી જ્યારે કપલ એન્જોય કરવા સ્પીડબોટ સવારીનો આનંદ માણી રહ્યા હતા. સ્થાનિક ટેલિવિઝન ચૅનલો દ્વારા પ્રસારિત થયેલા એક વીડિયો ફૂટેજમાં જોવા મળ્યું હતું કે બોટ એક વિશાળ મોજામાં ફસાઈ જાય છે અને સંતુલન ગુમાવી બેઠે છે. તે પછી તોફાની પાણીમાં બોટ પલટી જાય છે. "ભગવાનની કૃપાથી અમે બચી ગયા. હું હજી પણ આઘાતમાં છું. આવું ન થવું જોઈએ, અને દરિયામાં વૉટર સ્પોર્ટ્સનું યોગ્ય રીતે નિયમન કરવું જોઈએ. કોલકાતા પરત ફર્યા પછી હું પુરી એસપી અને ઓડિશાના મુખ્ય પ્રધાનને પત્ર લખીશ," અર્પિતાએ પીટીઆઈ પાસે ઉપલબ્ધ એક વીડિયો મેસેજમાં જણાવ્યું હતું.

આ ભયાવહ ઘટનાને યાદ કરતાં સૌરભ ગાંગુલીની ભાભીએ કહ્યું કે બોટ લગભગ દસ માળની ઉંચાઈએ લહેરથી અથડાઈ હતી, જેના કારણે તે પલટી ગઈ, જેના કારણે તે અને સ્નેહાશિષ સહિત તમામ મુસાફરો સમુદ્રમાં ફેંકાઈ ગયા હતા. "સદભાગ્યે, લાઇફગાર્ડ્સની ઝડપી કાર્યવાહીથી અમારા જીવ બચી ગયા," તેણે ઉમેર્યું.

સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે દરિયા કિનારે તહેનાત લાઇફગાર્ડ્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પ્રવાસીઓના જીવ બચાવ્યા હતા. પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેઓએ રબર ફ્લોટ્સનો ઉપયોગ કર્યો હતો. દેખીતી રીતે હચમચી ગયેલી અર્પિતાએ આ દુર્ઘટના માટે એડ્વેંચારસ રમતોના સંચાલકોના "લોભ" ને જવાબદાર ઠેરવ્યું હતું. તેણે આરોપ લગાવ્યો હતો કે બોટ અસ્થિર હતી, 10 લોકોનો વજન ઝીલી શકે તેવી બોટમાં ફક્ત ચાર મુસાફરો હતા, જેના કારણે તે અસંતુલિત અને ભારે ભરતીનો સામનો કરવા માટે અયોગ્ય બની ગઈ હતી.

"ઓછા વજનને કારણે, બોટ સંતુલન ગુમાવી બેઠી હતી અને વિશાળ મોજાનો સામનો કરી શકી ન હતી. દરિયો પહેલેથી જ ખૂબ જ તોફાની હતો. જોકે અમે તોફાની સમુદ્ર અને ઊંચી ભરતીને કારણે સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ઓપરેટરોએ અમને ખાતરી આપી હતી કે તે સલામત છે. પરંતુ બહાર નીકળ્યાના થોડા સમય પછી, એક વિશાળ મોજા બોટ સાથે અથડાયા, અને તે પલટી ગઈ," તેણે કહ્યું.

સરકારને આ પ્રદેશમાં જળ રમતો સંબંધિત નિયમો કડક બનાવવાની માગ કરતા, અર્પિતાએ કહ્યું કે અધિકારીઓએ અહીં આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનું વિચારવું જોઈએ. સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે સ્પીડબોટ એક ખાનગી એડવેન્ચર કંપની હેઠળ કામ કરતા અપ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતી હતી. "ક્રૂ પાસે ભરતીનો સામનો કરવા માટે યોગ્ય કુશળતાનો અભાવ હતો અને કંપનીએ આવી પ્રવૃત્તિઓ માટે ફરજિયાત આવશ્યક સલામતી પ્રોટોકોલની અવગણના કરી હતી," એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે કંપની પુરી જિલ્લા પ્રશાસનની જરૂરી પરવાનગી વિના વૉટર સ્પોર્ટ્સનું આયોજન કરી રહી હતી.

sourav ganguly viral videos jagannath puri odisha national news