૨૦૨૪ સુધી કૉન્ગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા જ રહેશે : અહેવાલ

22 July, 2021 10:44 AM IST  |  New Delhi | Agency

સૂત્રોનું કહેવું માનીએ તો ૨૦૨૪ની આગામી લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કૉન્ગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે. 

સોનિયા ગાંધી

છેલ્લા ઘણા સમયથી કૉન્ગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગ થઈ રહી છે પણ પાર્ટી આ ચૂંટણીને ટાળી રહી છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણી સુધી કૉન્ગ્રેસ અધ્યક્ષ પદને લઈને કોઈ બદલાવ થતો નથી જોવા મળી રહ્યો. જોકે પાર્ટીમાં બળવાખોર નેતાઓને સંગઠનમાં મહત્ત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું માનીએ તો ૨૦૨૪ની આગામી લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કૉન્ગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે. 
સાથે એવી પણ સંભાવના છે કે દેશની સૌથી જૂની પાર્ટી યુવા ચહેરાઓને સંગઠનમાં પ્રમુખપદો પર નિયુક્ત કરી શકે છે. યુવા કૉન્ગ્રેસ નેતાઓ અને ગાંધીના વફાદારોને પાર્ટી સંગઠનની અંદર મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ મળી શકે છે.
રાહુલ ગાંધીના કૉન્ગ્રેસ અધ્યક્ષના રૂપમાં નિયુક્ત થવાની સંભાવના નથી. જોકે ટોચના સ્તર પર નિર્ણય લેવાનું તેઓ ચાલુ રાખશે. 
પાર્ટીમાંથી ચાર કાર્યકારી અધ્યક્ષોની નિયુક્ત‌િની આશા છે, જે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મદદ કરશે. કૉન્ગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ માટે ગુલામ નબી આઝાદ, સચિન પાઇલટ, કુમારી શૈલજા, મુકુલ વાસનિક અને રમેશ ચેન્નીથલા સૌથી આગળ છે. 
અહીં આ જાણવું જરૂરી છે કે ગુલામનબી આઝાદ એ જી-૨૩ સમૂહના નેતા છે જેને સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં બદલાવની માગ કરી હતી, બીજી તરફ સચિન પાઇલટ એક સમયે પોતાનું બળવાખોર વલણ બતાવી ચૂક્યા છે. તેમણે ત્યારે મહામહેનતે પક્ષમાં કમબૅક કર્યું હતું.

congress sonia gandhi national news