દિલ્હી હિંસા માટે શાહ જવાબદાર, રાજીનામું આપેઃ સોનિયા

27 February, 2020 10:42 AM IST  |  Mumbai Desk

દિલ્હી હિંસા માટે શાહ જવાબદાર, રાજીનામું આપેઃ સોનિયા

રાજધાની દિલ્હીમાં તાજેતરમાં થયેલા હિંસક રમખાણો માટે કૉન્ગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સીધી રીતે અમિત શાહને જવાબદાર ઠેરવ્યા છે. આજે સોનિયા ગાંધીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતુ કે રમખાણ થયાં ત્યારે અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ ક્યાં હતા? રમખાણો વધુ થવાના છે તે સ્પષ્ટ હતું તેમ છતાંય કેમ યોગ્ય સમયે પગલાં લેવામાં ના આવ્યાં?
ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં થયેલા રમખાણની જવાબદારી લઈને પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ તેવી માગ કરતાં સોનિયાએ કેજરીવાલ સરકારને પણ ઘેરી હતી. તેમણે જણાવ્યું હતું કે બન્ને સરકારે યોગ્ય કાર્યવાહી ન કરતાં રાજધાની આ ત્રાસદીનો શિકાર બની છે. ગત રવિવારથી અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ ક્યાં હતા અને શું કરી રહ્યા હતા તેનો જવાબ આપે.

બીજેપીના નેતાએ ભડકાઉ ભાષણ આપી ડર અને નફરતનો માહોલ બનાવ્યો તેવો આક્ષેપ કરતા સોનિયાએ જણાવ્યું હતું કે બીજેપીના નેતાએ દિલ્હી પોલીસને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે ત્રણ દિવસ પછી અમને કંઈ ના કહેશો. છેલ્લા ૭૨ કલાકમાં કેન્દ્ર અને દિલ્હી સરકાર દ્વારા જાણીજોઈને કોઈ કાર્યવાહી ન કરવાને કારણે રમખાણોમાં લોકોનાં મોત થયાં છે અને સેંકડો લોકો ગંભીર ઈજા સાથે હૉસ્પિટલમાં દાખલ છે.

સોનિયાએ કહ્યું હતું કે ૨૦૧૪માં મોદી સરકાર આવી ત્યારથી સર્વપક્ષીય બેઠકો થવાની જ બંધ થઈ ગઈ છે. વાજપેયી સરકારમાં દેશમાં જ્યારે પણ આવી સ્થિતિ સર્જાતી ત્યારે તેઓ તમામ પક્ષના નેતાઓનો સંપર્ક કરતા, અને તેમની સાથે મિટિંગ કરતા. તેમણે એમ પણ કહ્યું હતું કે સોશ્યલ મીડિયા પર નેતાઓ કમેન્ટ કરે છે, પરંતુ જાહેરમાં આવીને કોઈ શાંતિ માટે અપીલ નથી કરતું.

delhi violence delhi news amit shah sonia gandhi national news