અડવાણીના નિવેદન પર સોનિયા ગાંધી લાલઘુમ

08 August, 2012 08:36 AM IST  | 

અડવાણીના નિવેદન પર સોનિયા ગાંધી લાલઘુમ


નવી દિલ્હી : તા. 08 ઓગષ્ટ

અડવાણીના આ નિવેદન પર યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી લાલઘુમ થઈ ગયા હતા અને ભાજપના નેતાના નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો.

આજથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રનો પહેલો જ દિવસ ભારે તોફાની રહ્યો હતો. સંસદની કાર્યવાહીના થોડા જ સમય બાદ એલ કે અડવાણીએ પોતાના ભાષણમાં અસમ હિંસા મુદ્દે ચર્ચા હાથ ધરી હતી. ચર્ચા દરમિયાન અચાનક જ અડવાણીએ યુપીએ સરકાર પર નિશાન સાધ્યુ હતું અને જણાવ્યું હતું કે યૂપીએ-1 સરકાર ચૂંટણી જીતીને બની હતી પરંતુ, યૂપીએ-2 સરકાર પૈસાના જોરે ખરીદીને બચાવવામાં આવી હતી. કરોડો રૂપિયા વેરીને યૂપીએ સરકારને બચાવવામાં આવી હતી. અડવાણીના આ નિવેદનની સાથે જ કોંગ્રેસ તથા તેના સાથી રાજકીય પક્ષોએ સંસદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદેએ અડવાણીને પોતાનું નિવેદન પાછું ખેંચવાની માંગ કરી હતી.

અડવાણીના આ નિવેદનને લઈને યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી ખુબ રોષે ભરાયા હતાં. સોનિયા ગાંધી સંસદ ભવનમાં અગાઉ ક્યારેય આટલા ઉગ્ર જોવા મળ્યાં નહોતા. તેમણે પણ ભારે વિરોધ નોંધાવતા અડવાણીએ આખરે પોતાનું નિવેદન પાછુ ખેંચતા સ્પષ્ટતા કરી હતી કે તેમણે આ વાત 2008માં વિશ્વાસમતના પ્રસ્તાવ સંદર્ભમાં કહી હતી.

આજે સવારે સોમાસૂ સત્રના પહેલા દિવસે લોકસભાની કાર્યવાહીનો પ્રારંભ અધ્યક્ષ મીરા કુમારે દિવંગત ભૂતપૂર્વ સાંસદ સભ્યોને શ્રદ્ધાંજલી અને દેશના અનેક ભાગોમાં સર્જાયેલી દુર્ઘટનાઓ અને કુદરતી આફતોનો ભોગ બનેલા મૃતકો પર દુ:ખ વ્યક્ત કરતાની સાથે થયો હતો. 

આસામ મુદ્દે ઉગ્ર ચર્ચા વચ્ચે આંધ્ર પ્રદેશના તેલંગાનાના કોંગ્રેસ સભ્યોએ પણ પોતાની સીટ પર ઉભા થઈ અલગ પ્રદેશનો રાગ આલાપ્યો હતો. હંગામો વધતા મીરા કુમારે સદનની કાર્યવાહી બપોર 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.