ઇઝરાયલી સૉફ્ટવેર દ્વારા મોદી સરકારે કરાવી બધાની જાસૂસીઃ સોનિયા ગાંધી

03 November, 2019 11:15 AM IST  |  નવી દિલ્હી

ઇઝરાયલી સૉફ્ટવેર દ્વારા મોદી સરકારે કરાવી બધાની જાસૂસીઃ સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

કૉન્ગ્રેસનાં એક્ઝિક્યુટિવ અધ્યક્ષા સોનિયા ગાંધીએ વૉટ્સઍપ જાસૂસી કાંડ પર નરેન્દ્ર મોદી સરકાર પર ગઈ કાલે હુમલો કર્યો હતો. સોનિયા ગાંધીએ દિલ્હીમાં પાર્ટીના નેતાઓની બેઠકમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે ઇઝરાયલી સૉફ્ટવેર પેગાસસથી બધાની જાસૂસી કરાવી છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આમ કરવાનું ગેરકાયદે હોવાની સાથે શરમજનક છે. દિલ્હીમાં કૉન્ગ્રેસના નેતાઓની મળેલી મહત્ત્વની બેઠકમાં આ ચોંકાવનારી વાતો કહી હતી.
સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે ઘણા એવા મુદ્દા છે જે આપ સૌ જાણો છો. તાજો ચોંકાવનારો મુદ્દો એ છે કે મોદી સરકારે ઇઝરાયલ પાસેથી પેગાસસ સૉફ્ટવેર મેળવ્યું છે એનો ઉપયોગ ઍક્ટિવિસ્ટ, પત્રકાર અને રાજકીય અગ્રણીઓની જાસૂસી કરવાની સાથે તેમના પર નજર રાખવા કરાશે. આ કામ ગેરકાયદેની સાથે શરમજનક છે.’
આ બેઠકમાં નરેન્દ્ર મોદી સરકારની સામે કૉન્ગ્રેસ કા વિરોધ-પ્રદર્શનની તૈયારીની પણ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં કૉન્ગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી, રાજ્યના પ્રભારીઓ, કૉન્ગ્રેસ સંગઠનના મોટા નેતાઓ હાજર હતા. કૉન્ગ્રેસ પાંચથી ૧૫ નવેમ્બર દરમ્યાન નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિના વિરોધમાં પ્રદર્શન કરશે.
સોનિયા ગાંધીએ મૂકેલા આરોપનો બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જવાબ આપતાં કહ્યું હતું કે ‘સરકાર આ મામલે પોતાની સફાઈ આપી ચૂકી છે. સોનિયા ગાંધીએ એ કહેવું જોઈએ કે યુપીએની સરકાર વખતે ૧૦ જનપથથી કોના કહેવાથી પ્રણવ મુખરજીની જાસૂસી કરાઈ હતી. એ સિવાય તત્કાલીન આર્મી ચીફ વી. કે. સિંહની જાસૂસી પાછળ કોનો હાથ હતો?’

અમે સરકારને મે મહિનામાં જાણકારી આપી હતીઃ જાસૂસીના મુદ્દે વૉટ્સઍપનું નિવેદન
નવૉટ્સઍપ મારફતે જાસૂસી કરવાના રિપોર્ટે તમામ યુઝર્સને ચિંતામાં નાખી દીધા છે. ગુરુવારે વૉટ્સઍપે કહ્યું હતું કે ઇઝરાયલની સાઇબર ઇન્ટેલિજન્સ કંપની એનએસઓએ પોતાના સ્પાઇવેર પેગાસસનો ઉપયોગ કર્યો છે અને મે મહિનામાં અનેક પત્રકારો, વકીલો અને માનવાધિકાર કાર્યકર્તાઓની જાસૂસી કરી હતી. આ સંબંધમાં જાસૂસીનો શિકાર લોકોને સૂચના આપી દેવામાં આવી છે. જેને ગંભીરતાથી લેતા કેન્દ્ર સરકારે ચાર નવેમ્બર સુધી વૉટ્સઍપ પાસે આ મામલે જવાબ માગ્યો છે. સાથે ચિંતા વ્યક્ત કરી હતી કે વૉટ્સઍપ સાથે જૂન મહિનાથી આ અંગે અનેકવાર વાતચીત થઈ હતી પરંતુ કંપનીએ એક પણ વખત પેગાસસ હેકિંગ ઘટનાનો ઉલ્લેખ કર્યો નહોતો. જો કે કંપનીનું કહેવું છે કે મે મહિનામાં જ સરકારને આ અંગેની જાણકારી આપી દેવાઈ હતી.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે સવાલ ઉઠાવ્યો હતો કે આ વૉટ્સઍપ સંદેશાઓની જાણકારી અને જવાબદારી નક્કી કરવા માટે કોઈ પગલાં ઉઠાવવા માટે સરકારને રોકવા માટે કંપનીનો કોઈ અડંગા જેવી ચાલ તો નથી ને. સરકાર હેકિંગ મામલાના ખુલાસાના સમયને લઈને સવાલ કરી રહી છે. આ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે દેશમાં સોશ્યલ મીડિયાના દુરુપયોગને રોકવાના ઉપાયો માટે સુપ્રીમ કોર્ટ પાસે ત્રણ મહિનાનો સમય માગ્યો છે.

sonia gandhi narendra modi