22 May, 2025 01:11 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાજીવ ગાંધીની ગઈ કાલે ૩૪મી પુણ્યતિથિ હતી એ નિમિત્તે દિલ્હીમાં વીરભૂમિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રાહુલ ગાંધી.
નૅશનલ હેરલ્ડ ન્યુઝપેપર સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ કેસમાં સુનાવણી દરમ્યાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ દિલ્હીની કોર્ટમાં જણાવ્યું હતું કે કૉન્ગ્રેસનાં નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ૧૪૨ કરોડ રૂપિયાના ગુનાહિત આવકનો લાભ મેળવ્યો છે.
EDએ જણાવ્યું હતું કે કૉન્ગ્રેસનાં નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે મની લૉન્ડરિંગનો પ્રાથમિક કેસ બનાવવામાં આવ્યો હતો. EDએ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ ગુનાની આવક મેળવી ત્યારે પણ મની લૉન્ડરિંગ કર્યું હતું.
કેન્દ્રીય એજન્સી તરફથી હાજર રહેલા ઍડિશનલ સૉલિસિટર જનરલ એસ. વી. રાજુએ જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨૩માં નૅશનલ હેરલ્ડ સાથે સંબંધિત મિલકતો જપ્ત કરવામાં આવી હતી અને ત્યાં સુધી આરોપીઓ ગુનામાંથી આવકનો આનંદ માણી રહ્યા હતા. ગુનાહિત આવકમાં ફક્ત સુનિશ્ચિત ગુનામાંથી મેળવેલી મિલકતોનો સમાવેશ થતો નથી, પરંતુ ગુનામાંથી થતી આવક સાથે સંબંધિત કોઈ પણ અન્ય ગુનાહિત પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે.
દરમ્યાન, ન્યાયાધીશે EDને આ મામલે એની ચાર્જશીટની નકલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુબ્રમણ્યન સ્વામીને આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેમણે ૨૦૧૪માં ૨૬ જૂને કરેલી ખાનગી ફરિયાદના આધારે EDએ હાલનો કેસ દાખલ કર્યો હતો અને પછી ૨૦૨૧માં એની તપાસ શરૂ કરી.
નૅશનલ હેરલ્ડ કેસ શું છે?
સુબ્રમણ્યન સ્વામીએ ફરિયાદમાં ગાંધી પરિવાર દ્વારા નૅશનલ હેરલ્ડ ન્યુઝપેપરના સંપાદન સાથે સંકળાયેલી નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ મુજબ સોનિયા અને રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા ન્યુઝપેપરની માલિકી ધરાવતી કંપની અસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) પર નિયંત્રણ મેળવ્યું હતું, જેમાં તેઓ ૮૬ ટકા હિસ્સો ધરાવે છે. આ ટેકઓવર કથિત રીતે માત્ર ૫૦ લાખ રૂપિયામાં કરવામાં આવ્યું હતું, જ્યારે AJL સાથે જોડાયેલી રિયલ એસ્ટેટ સંપત્તિ ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુની હોવાનો અંદાજ છે.