28 September, 2025 08:55 AM IST | Ladakh | Gujarati Mid-day Correspondent
એસ. ડી. સિંહ જામવાલ
એસ. ડી. સિંહ જામવાલે આ બાબતે ચિંતા જતાવીને કહ્યું કે તેમની સાથે સંકળાયેલી એક પાકિસ્તાની મૂળની વ્યક્તિને પણ અટકમાં લીધી છે
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માગણીને લઈને ભૂખહડતાળનું નેતૃત્વ કરનારા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને પાકિસ્તાન સાથે સંબંધ છે એવો દાવો લદ્દાખના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) એસ. ડી. સિંહ જામવાલે શનિવારે કર્યો હતો. તેમણે સોનમ વાંગચુકની પાડોશી દેશોની યાત્રાઓ પર પણ ચિંતા જતાવી હતી. લેહમાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે ખુલાસો કર્યો હતો કે પોલીસે એક પાકિસ્તાની મૂળની વ્યક્તિની પણ અટક કરી છે જે સોનમ વાંગચુકના સંપર્કમાં હોવાનું કહેવાય છે.
આ પાકિસ્તાની મૂળની વ્યક્તિ રિપોર્ટિંગ કરી રહી હતી એ વિશે એસ. ડી. સિંહ જામવાલે કહ્યું હતું કે ‘અમારી પાસે તેનો રેકૉર્ડ છે. સોનમ વાંગચુક પાકિસ્તાનમાં ત્યાના અખબાર ‘ડૉન`ના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. તે બંગલાદેશ પણ ગયા હતા એટલે તેમના પર મોટો સવાલ છે અને ઊંડી તપાસ થઈ રહી છે.’
ગૃહમંત્રાલયે પણ આરોપ લગાવ્યો હતો કે સોનમ વાંગચુકે અારબ સ્પ્રિંગ અને નેપાલના જેન-ઝી આંદોલનોનો ઉલ્લેખ કરીને ભીડને ભડકાવી હતી. DGPએ કહ્યું હતું કે ‘સોનમ વાંગચુકનો ભડકાવવાનો ઇતિહાસ રહ્યો છે. તપાસ દરમ્યાન બે અન્ય લોકોને પણ પકડવામાં આવ્યા છે. જોકે તેઓ કોઈ સાઝિશનો હિસ્સો હોય એવું બની શકે છે. આ જગ્યા પર નેપાલી લોકો મજૂરી કરવા આવે છે એટલે તેમની તપાસ કરવી પડશે. ’
સોનમ વાંગચુક ક્યાં સુધી રહેશે જોધપુરની જેલમાં?
સોનમ વાંગચુકને નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (NSA) અંતર્ગત પકડવામાં આવ્યા છે. હાલમાં તેમને જોધપુરની જેલમાં રખાયા છે. NSA એ ૧૯૮૦માં બનેલો કાનૂન છે જેમાં સરકાર કોઈ પણ વ્યક્તિને કેસ ચલાવ્યા વિના અને પુરાવા વિના પણ પકડવાનો અધિકાર ધરાવે છે. આ સજા આપનારો નહીં પણ ગુનાને રોકવા માટેનો કાયદો છે. જો કોઈ વ્યક્તિ દેશની સુરક્ષા, વિદેશી સંબંધોને લઈને ખતરાનજક હોય તો તેને રોકવા માટે એ વાપરી શકાય છે. ૧૫ દિવસમાં અટકાયતનું કારણ આપવાનું રહે છે.