ભારતના અડધોઅડધ સંસદસભ્યો સામે ફોજદારી કેસ છે; ત્રીજા ભાગના સંસદસભ્યો પર હત્યા, બળાત્કાર અને અપહરણના આરોપ છે

15 August, 2026 08:34 AM IST  |  Ladakh | Gujarati Mid-day Correspondent

પૉલિટિકલ સિસ્ટમમાં સુધારા માટે ઍક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા બીજા સ્વતંત્રતા આંદોલનનું આહ્‍વાન

સોનમ વાંગચુક

સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે ભારતની પૉલિટિકલ સિસ્ટમમાં સુધારા માટે બીજા સ્વતંત્રતા આંદોલનની હાકલ કરી છે. ભારતે એના નેતાઓની પસંદગી કરવાની રીતમાં પરિવર્તન લાવવું જોઈએ એવી તેમણે હાકલ કરી છે. તેમણે નાગરિકોને ભારતના ભવિષ્યને આકાર આપવામાં મદદ કરી શકે એવા નિઃસ્વાર્થ, નિર્ભય ચારિય અને સાત્ત્વિક લોકો સૂચવવા વિનંતી કરી છે.

આ સંદર્ભમાં ગુરુવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટમાં સોનમ વાંગચુકે લખ્યું હતું કે જો દેશે ૨૦૪૭ સુધીમાં આદરણીય રાષ્ટ્ર રહેવું હોય તો રાજકીય નેતાઓની પસંદગીની રીતમાં ભારતને શાંતિપૂર્ણ ક્રાન્તિની જરૂર છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામેના ફોજદારી કેસોના મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘ભારતના લગભગ અડધા સંસદસભ્યો સામે ફોજદારી કેસ છે; જ્યારે ત્રીજા ભાગના સંસદસભ્યો પર હત્યા, બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર આરોપો છે. આના કારણે દેશમાં લોકોને નેતાઓ પર વિશ્વાસ આવતો નથી. હું ભારતભરનાં કેટલાંક શ્રેષ્ઠ દિમાગ પાસે સલાહ લેવા માગું છું જેથી તેઓ શું બદલવાની જરૂર છે અને આવા ફેરફારો કેવી રીતે લાવી શકાય એ વિશે વિચાર-મંથન કરી શકે. આ વાતચીત ફક્ત બૌદ્ધિકો સુધી મર્યાદિત ન હોવી જોઈએ. નિઃસ્વાર્થ, નિર્ભય ચારિય અને સાર્થકતા ધરાવતાં પુરુષોએ અને સ્ત્રીઓએ એમાં સામેલ થવું જોઈએ, જેઓ રાજકીય વ્યવસ્થામાં સુધારાના પ્રયાસમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે.’

લદ્દાખમાં રહેતા સોનમ વાંગચુકે સ્વીકાર્યું હતું કે મને ખબર નથી કે આવા લોકો દેશભરમાં ક્યાં મળી શકે છે અને તેમને ઓળખવામાં જનતાની મદદ માગી હતી. તેમણે લોકોને ભારતમાંથી તેમ જ તેમના પોતાના પ્રદેશમાંથી ઓછામાં ઓછી એક આવી વ્યક્તિનો પ્રસ્તાવ મૂકવા કહ્યું હતું.

Sonam Wangchuk indian politics political news national news news