શ્રીનગર ઍરપોર્ટ પર આર્મીના જવાનના બૅગેજમાંથી બે હૅન્ડગ્રેનેડ મળ્યા

04 April, 2017 07:11 AM IST  | 

શ્રીનગર ઍરપોર્ટ પર આર્મીના જવાનના બૅગેજમાંથી બે હૅન્ડગ્રેનેડ મળ્યા



જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર ઍરપોર્ટ પર ગઈ કાલે સવારે એક જવાનની તેના બૅગેજમાંથી બે ગ્રેનેડ મળી આવ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. જવાને પોલીસ અને સલામતી-દળોને જણાવ્યું હતું કે એ ગ્રેનેડ દિલ્હી લઈ જવાનો આદેશ તેના એક મેજરસાહેબે તેને આપ્યો હતો.

ભુપાલ મુખિયા નામનો આ જવાન ૧૭ JAK રાઇફલ્સનો કર્મચારી છે અને કાશ્મીરના ઉડી સેક્ટરમાં અંકુશરેખા નજીક બોનિયાર સેક્ટરમાં ફરજ બજાવે છે. તે બેન્ગૉલના દાર્જિલિંગનો વતની છે.

પોલીસના જણાવ્યા મુજબ ભુપાલ મુખિયા દિલ્હીની ચાર્ટર્ડ ફ્લાઇટમાં પ્રવાસ કરવાની તૈયારીમાં હતો ત્યારે તેના બૅગેજનું ચેકિંગ કરવામાં આવતાં એમાંથી ગ્રેનેડ મળી આવ્યા હતા. પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

એક સિનિયર પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘આ ગ્રેનેડ દિલ્હી લઈ જવાનો આદેશ એક મેજરસાહેબે પોતાને આપ્યો હોવાનું ભુપાલ મુખિયાએ પૂછપરછમાં જણાવ્યું હતું. દિલ્હીથી ગ્રેનેડનું કન્સાઇનમેન્ટ કોઇ વ્યક્તિ લેવાની હતી. જોકે અમે તેના દાવા પર ભરોસો કર્યો નથી અને પુરાવાના આધારે આ ઘટનાની તપાસ ચાલુ છે.’

ભુપાલ મુખિયા પાસે આ ગ્રેનેડ ક્યાંથી આવ્યા એની તપાસ પણ પોલીસ કરી રહી છે.

શ્રીનગર ઍરપોર્ટ દેશનાં સૌથી વધુ સલામતી-વ્યવસ્થા ધરાવતાં ઍરપોર્ટ્સ પેકીનું એક છે અને ત્યાં અનેક સ્થળોએ ચકાસણી કરવામાં આવે છે. આર્મી માટે કોઈ ચેકિંગ કરવામાં ન આવતું હોવાથી ભુપાલ મુખિયાને ઍરપોર્ટમાં પ્રવેશતાં કોઈએ રોક્યો નહોતો.

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જવાન સામે કાયદા અનુસાર પગલાં લેવામાં આવશે.

ભુપાલ મુખિયા ઉડીમાં ફરજ બજાવે છે અને ઉડીમાં આર્મી કૅમ્પ પર ગયા વર્ષે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં ૧૯ જવાનોનાં મોત થયાં હતાં. એ હુમલાને જમ્મુ-કાશ્મીરમાં તાજેતરનાં વર્ષોમાં કરવામાં આવેલા સૌથી વધુ ખરાબ આતંકવાદી હુમલાઓ પૈકીનો એક ગણવામાં આવે છે.

બારામુલ્લાની સબ-જેલમાંથી મળ્યા ૧૪ મોબાઇલ ફોન

બારામુલ્લાની સબ-જેલમાંથી રવિવારે ૧૪ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. રાજ્યના પોલીસવડાએ આ ઘટનાને સલામતી-વ્યવસ્થામાંનું છીંડું ગણાવી હતી. જેલમાં સર્ચ કરવામાં આવી એ પછી આ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે કેદીઓ પાસેથી આ મોબાઇલ ફોન મળ્યા હતા તેમની સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે.

આ મોબાઇલ ફોન વડે પાકિસ્તાનમાં ફોન કરવામાં આવ્યા હતા કે કેમ એવા સવાલના જવાબમાં પોલીસવડાએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસની સાઇબર ટીમ એની તપાસ કરી રહી છે. સાઇબર ફૉરેન્સિક ટીમ દ્વારા પૂર્ણ ચકાસણી કરશે અને તમામ નંબરોની ચકાસણી કરશે એ પછી પગલાં લેવામાં આવશે.