આ દુર્લભ પક્ષીની કિંમત છે 15 લાખ રૂપિયા, જાણો વિગતો

14 August, 2020 06:35 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

આ દુર્લભ પક્ષીની કિંમત છે 15 લાખ રૂપિયા, જાણો વિગતો

બાંગ્લાદેશની સરહદે જોવા મળ્યાં ટુકેન પક્ષી (તસવીર સૌજન્ય: ટ્વીટર)

તાજેતરમાં બાંગ્લાદેશની સરહદે દુર્લભ પક્ષીઓના ટોળા જોવા મળ્યાં હતાં. એવા દુર્લભ પક્ષી કે જે એક પક્ષીની કિંમતે લગભગ 15 લાખ રૂપિયા થાય. આ દુર્લભ પક્ષી ટુકેન તરીકે ઓળખાય છે.

બાંગ્લાદેશ સરહદ પરથી મળેલી માહિતી પ્રમાણે, બીએસએફના જવાનો સરહદ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર શકમંદો એક પાંજરું ફેંકીને નાસી છૂટ્યા હતા. આ પાંજરામાં એક દુર્લભ ટુકેન પક્ષીનું જોડું હતું. જેની બજાર કિંમત લગભગ 15 લાખ રૂપિયા છે. તે એક દુર્લભ પક્ષી છે જે મધ્ય અમેરિકન દેશ બેલીઝનું રાષ્ટ્રીય પક્ષી પણ છે.

13 ઓગસ્ટ 2020ના બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હલદર પારા ગામની પાછળ આવેલા જંગલની આજુબાજુના વિસ્તારોમાં વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ગામ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવે છે. સવારે સાત વાગ્યાની આસપાસ, સૈનિકોએ જંગલની અંદરના ભાગમાં વાંસની ઝાડીની પાછળ બે શંકાસ્પદ લોકોને છુપાયેલા જોયા. સૈનિકોએ તેની પાસે પહોંચવાનો પ્રયાસ કરતાં અચાનક શંકાસ્પદ લોકો ભારતીય ગામ તરફ દોડવા લાગ્યા હતા. તેઓ દોડયા ત્યારે તેમના હાથમાં એક પાંજરું પણ હતું. સૈનિકોએ તેમનો પીછો કર્યો ત્યારે તેઓ પાંજરું ફેંકી ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને ભાગી છૂટવામાં સફળ રહ્યા.

ત્યારબાદ સર્ચ પાર્ટીએ જંગલની આજુબાજુના વિસ્તારની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી જેમાં એક પાંજરું મળી આવ્યું હતું. પાંજરામાં અંદર અસામાન્ય દેખાતા પક્ષીઓની જોડી હતી જેમને ટુકેન બર્ડ તરીકે ઓળખાય છે. જપ્ત કરેલા પક્ષીઓ કિલ-બીલ્ડ ટુકન પ્રજાતિના હોય છે. તેઓ ટુકેન પરિવારનો રંગીન લેટિન અમેરિકન સભ્ય છે. આ પ્રજાતિ દક્ષિણ મેક્સિકોથી કોલમ્બિયા સુધીના ઉષ્ણકટિબંધીય જંગલોમાં જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પક્ષીઓની કિંમત આશરે 15 લાખ રૂપિયા છે. જપ્ત કરાયેલા બન્ને પક્ષીઓને કોલકાતાના અલીપુર સ્થિત પ્રાણીસંગ્રહાલયના હવાલે કરવામાં આવ્યા છે.

national news bangladesh kolkata west bengal