18 August, 2026 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ ઈરાની, રામ માધવ
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટી પ્રેસિડન્ટ નીતિન નબીને જાહરે કર્યું નવું સ્ટ્રક્ચર : મોટા ફેરબદલમાં અનુભવી અને નવા ચહેરાઓનું સંતુલન, મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવ્યું : સોશ્યલ મીડિયા સેલના અમિત માલવીયની હકાલપટ્ટી, પીયૂષ ગોયલ ટ્રેઝરર
આગામી મહિનાઓમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને સોમવારે પોતાની નવી કેન્દ્રીય ટીમની જાહેરાત કરી છે. જે. પી. નડ્ડાના સ્થાને અધ્યક્ષપદ સંભાળ્યા બાદ નીતિન નબીન દ્વારા કરવામાં આવેલા આ મોટા ફેરબદલમાં અનુભવી અને નવા ચહેરાઓનું સંતુલન સાધવામાં આવ્યું છે, જેમાં મહિલાઓને પણ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
નવા પુનર્ગઠનમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય રામ માધવની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વાપસી થઈ છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોમાંથી ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બિપ્લબકુમાર દેવને રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી ટીમમાં મહિલા પ્રતિનિધિત્વ વધારીને ૬ મહિલાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ત્રણને રાષ્ટ્રીય પ્રધાન અને એકને રાષ્ટ્રીય મહાસચિવનું પદ સોંપાયું છે.
રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયા, બૈજયંત જય પાંડા, રેખા વર્મા અને તારિક મન્સૂરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષપદે યથાવત્ રાખવામાં આવ્યાં છે. વિનોદ તાવડે અને સુનીલ બંસલ રાષ્ટ્રીય મહાસચિવ તરીકે જ્યારે બી. એલ. સંતોષ રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) તરીકે પોતાની સેવાઓ ચાલુ રાખશે. અનિલ ઍન્ટની રાષ્ટ્રીય મંત્રી અને અનિલ બલૂની રાષ્ટ્રીય મીડિયા પ્રભારી તરીકે યથાવત્ રહેશે.
આ ફેરબદલમાં BJPના IT અને સોશ્યલ મીડિયા સેલના પ્રમુખ અમિત માલવીયને સ્થાન મળ્યું નથી. તેમના સ્થાને દીપક મ્હસ્કેને રાષ્ટ્રીય સોશ્યલ મીડિયા કન્વીનર બનાવવામાં આવ્યા છે; જ્યારે પ્રીતિ ગાંધી, શિવાનંદ દ્વિવેદી, આલોક ભટ્ટ અને અરુણ યાદવને સહ-કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
અગાઉની ટીમમાં સામેલ દુષ્યંત ગૌતમ, રાધા મોહન દાસ અગ્રવાલ, સંજય મયૂખ, સરોજ પાંડે, તેજસ્વી સૂર્યા, લક્ષ્મીકાંત વાજપેયી અને અરુણ સિંહ જેવા અનેક પ્રમુખ નેતાઓને આ વખતે સ્થાન મળ્યું નથી.
ઉત્તર પ્રદેશ સહિત દેશનાં પાંચ રાજ્યોમાં ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આકાર પામેલી નીતિન નબીનની આ નવી કોર ટીમની પ્રથમ બેઠક બાવીસ ઑગસ્ટે યોજાશે.
BJPએ સંગઠનાત્મક ફેરબદલમાં ડિજિટલ અને સોશ્યલ મીડિયા વિભાગોમાં પણ નોંધપાત્ર ફેરફારો કર્યા છે. સૌથી મહત્ત્વપૂર્ણ ફેરફાર સોશ્યલ મીડિયા જવાબદારીનો છે, જેમાં છત્તીસગઢના દીપક મ્હસ્કે અમિત માલવીયના સ્થાને નવા નૅશનલ સોશ્યલ મીડિયા કોઑર્ડિનેટર તરીકે નિયુક્ત થયા છે. જોકે અમિત માલવીય પાર્ટીના રાષ્ટ્રીય ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT)ના પ્રભારી તરીકે સેવા આપતા રહેશે. આમ ડિજિટલ સંગઠનમાં તેમની ભૂમિકા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી નથી; એના બદલે સોશ્યલ મીડિયા કામગીરીની જવાબદારી અલગ કરવામાં આવી છે. દીપક મ્હસ્કે સાથે ચાર રાજ્યોના નેતાઓને સોશ્યલ મીડિયા કોઑર્ડિનેટર બનાવવામાં આવ્યા છે. આમાં મહારાષ્ટ્રનાં પ્રીતિ ગાંધી, દિલ્હીના શિવાનંદ દ્વિવેદી, ઉત્તરાખંડના આલોક ભટ્ટ અને હરિયાણાના અરુણ યાદવનો સમાવેશ થાય છે. આ નવી ટીમ દ્વારા પાર્ટીએ વિવિધ રાજ્યોની અગ્રણી વ્યક્તિઓ સાથે સોશ્યલ મીડિયા ઑપરેશન્સને જોડવાનો પ્રયાસ કર્યો છે.