તામિલનાડુમાં ફટાકડા બનાવતી ફૅક્ટરીમાં આગથી ૫૪નાં મોત

05 September, 2012 09:14 AM IST  | 

તામિલનાડુમાં ફટાકડા બનાવતી ફૅક્ટરીમાં આગથી ૫૪નાં મોત

 

તામિલનાડુમાં ફટાકડા બનાવવાના ઉદ્યોગ માટે જાણીતા શિવાકાશીમાં ગઈ કાલે એક ફાયરવર્ક્સ યુનિટમાં આગ ફાટી નીકળતાં ૫૪ લોકો જીવતા સળગી મર્યા હતા, જ્યારે ૫૦થી વધારે દાઝ્યા હતા. ઈજાગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધશે એવી શંકા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઓમશક્તિ ફાયરવર્કર્સ નામની ફૅક્ટરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. દિવાળીનો તહેવાર આવી રહ્યો હોવાથી ફટાકડાનું ઉત્પાદન વધારી દેવામાં આવ્યું હતું. દુર્ઘટના સર્જાઈ ત્યારે ફૅક્ટરીમાં ૩૦૦ લોકો કામ કરી રહ્યા હતા. આગ ફાટી નીકળ્યાં બાદ ધસી આવેલા ૧૦ જેટલી ટીમના ફાયર-ફાઇટરોએ મહામહેનતે અનેકને બચાવ્યા હતા.

આગ એટલી તો ભીષણ હતી કે ફૅક્ટરીના ૪૮ જેટલા શેડ ભસ્મીભૂત થઈ ગયા હતા. ફાયર-ફાઇટરોએ કહ્યું હતું કે ફટાકડા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા નવી જાતના કેમિકલને કારણે ઘટ્ટ અને ગૂંગળામણ પેદા કરે એવો ધુમાડો નીકળ્યો હતો જેને કારણે ફસાયેલા લોકોને બચાવવાનું કામ મુશ્કેલ બન્યું હતું. આગની જ્વાળાઓ દોઢ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતી હતી.