જાણીતા સિતાર વાદક પંડિત રવિશંકરનું નિધન

12 December, 2012 05:33 AM IST  | 

જાણીતા સિતાર વાદક પંડિત રવિશંકરનું નિધન




છેલ્લા થોડા સમયથી તેઓ બીમાર હતા અને ગયા ગુરુવારે જ શ્વાસ લેવામાં તકલીફ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના પર હાર્ટના વાલ્વને બદલવાની સર્જરી કરવામાં આવી હતી.

તેમની પત્ની સુકન્યા અને પુત્રી અનુષ્કા શંકરે એક જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ભારે હૃદયે અમે જાહેર કરીએ છીએ કે પંડિત રવિશંકર આ દુનિયામાં રહ્યા નથી. રવિશંકર ફાઉન્ડેશન અને ઈસ્ટ મીટ્સ વેસ્ટ મ્યુઝિકે એક બીજા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે રવિશંકરને છેલ્લાં ઘણાં વર્ષોથી હાર્ટ અને અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં તકલીફ હતી અને ગયા ગુરુવારે ઑપરેશન સફળ રહ્યા પછી રિકવરી થઈ શકી નહીં. ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ નાગરી સન્માન ભારતરત્નથી સન્માનિત રવિશંકરનાં ભારત તેમ જ અમેરિકામાં ઘર હતાં. તેમના પરિવારમાં પત્ની સુકન્યા, પુત્રી નોરાહ જોન્સ, પુત્રી અનુષ્કા શંકર રાઇટ, જમાઈ જો રાઇટ, ત્રણ પૌત્ર અને ચાર પ્રપૌત્રનો સમાવેશ છે.

અમેરિકામાં કૅલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં લૉન્ગ બીચમાં ૪ નવેમ્બરે પંડિત રવિશંકરે પુત્રી અનુષ્કા સાથે છેલ્લો પબ્લિક પર્ફોર્મન્સ આપ્યો ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી એટલે તેમને ઑક્સિજન માસ્ક પહેરવો પડ્યો હતો. માત્ર ખાસ આમંત્રિતો માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમના એક સમયના સેક્રેટરી રબિન પાલે જણાવ્યું હતું કે ‘પંડિત રવિશંકરને રેસ્પિરેટરી સિસ્ટમમાં તકલીફ હોવા છતાં તેઓ પર્ફોર્મન્સ માટે ભાગ્યે જ ના પાડતા હતા. આથી આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે ઑક્સિજન માસ્ક પહેરવો પડ્યો હતો.’ ત્રણ વાર ગ્રૅમી અવૉર્ડના વિજેતા રવિશંકરે તેમનો છેલ્લો પર્ફોર્મન્સ કૅલિફૉર્નિયામાં પુત્રી અનુષ્કા સાથે આપ્યો હતો.

વારાણસીમાં જન્મ

રવિશંકરનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં ૧૯૨૦ની ૭ એપ્રિલે થયો હતો. તેમનું નામ રવીન્દ્ર શંકર ચૌધરી હતું. ચાર ભાઈઓમાં તેઓ સૌથી નાના હતા. તેમના પિતા જાલાવાર સ્ટેટના દીવાન હતા. જીવનની શરૂઆતનાં પહેલાં ૧૦ વર્ષ તેમણે સાવ ગરીબીમાં કાઢ્યાં હતાં. તેમની માતાએ તેમને મોટા કર્યા હતા. તેમના મોટા ભાઈ ઉદય શંકર જાણીતા નર્તક હતા અને તેમની સાથે ૧૯૩૦માં તેઓ યુરોપના પૅરિસ શહેરમાં ગયા. આઠ વર્ષ સુધી તેઓ ત્યાં રહ્યા અને ઉદય શંકરના ટ%પમાં તેઓ અમેરિકનો અને યુરોપિયનોના સંપર્કમાં આવ્યા. તેમની સમક્ષ ભારતીય ડાન્સ રજૂ કર્યા. તેઓ સારી રીતે નૃત્ય કરી શકતા હતા અને તેમના ટપમાં સંગીત આપનારા ઉસ્તાદ અલ્લાદ્દીન ખાંના સંપર્કમાં આવતાં તેમને સિતારવાદનનો શોખ થયો. તેમની પાસે તેઓ ૧૯૩૮થી ૧૯૪૪ સાત વર્ષ સુધી સિતાર શીખ્યા. સિતાર શીખવા તેઓ તેમના ગુરુના ઘરે મૈસુર ગયા.

૧૯૬૦માં તેમણે પશ્ચિમના વિશ્વને સિતાર અને ભારતીય સંગીતથી સ્તબ્ધ કરી દીધું. ભારતીય સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિકના ફ્યુઝનથી તેમણે આખા સંગીતવિશ્વને ડોલાવી દીધું હતું. સિતારવાદનમાં તેમણે અનેક પ્રયોગો પણ કર્યા હતા. પશ્ચિમના દેશોમાં રવિશંકરનું નામ ઘરે-ઘરે ખૂબ જ આદરથી લેવામાં આવતું હતું. ૧૯૫૬થી તેમણે વિદેશમાં સંગીતના શો માટે પ્રવાસો શરૂ કર્યા. તેઓ વાયોલિનવાદક યહૂદી મેનુહિનના અને એ સમયની પ્રખ્યાત બૅન્ડ ધ બીટલ્સના રૉક આર્ટિસ્ટ જ્યૉર્જ હેરિસન સંપર્કમાં આવ્યા. સિતાર અને ઑર્કેસ્ટ્રા સાથેની કૉન્સર્ટની નવી વ્યાખ્યા તેમણે બનાવી અને ફરી ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં વિદેશની અનેક ટૂર કરી.

તેમના પશ્ચિમના મિત્રો સાથે તેમણે સુપરહિટ આલબમો આપ્યાં. ભારત, કૅનેડા, અમેરિકા અને યુરોપના અનેક દેશોમાં તેમણે નૃત્યનાટિકાઓ પણ રજૂ કરી જેને વ્યાપક આવકાર મળ્યો. તેમની કૉન્સર્ટોમાં તેમણે તબલાં-પ્લેયરોને પણ માનપૂર્વકનું સ્થાન આપ્યું. તેમને ઇન્ડિયન પીપલ્સ થિયેટર અસોસિએશનના મ્યુઝિક ડિરેક્ટરપદે નિયુક્ત કરવામાં આવ્યા. ૧૯૪૯થી ૧૯૫૬ સુધી તેઓ નવી દિલ્હીમાં ઑલ ઇન્ડિયા રેડિયોના મ્યુઝિક ડિરેક્ટરપદે રહ્યા. ૧૯૪૫માં તેમણે નવો રાગ શોધ્યો અને પછી બીજા ૩૦ વધુ રાગ કમ્પોઝ કર્યા. મોહમ્મદ ઇકબાલના દેશપ્રેમના ગીત ‘સારે જહાં સે અચ્છા’ માટે તેમણે સુંદર સંગીત આપ્યું. સત્યજિત રેની ‘અપ્પુ ટ્રાયોલૉજી’ માટે તેમણે આપેલા સંગીતની વિશ્વસ્તરે પ્રશંસા થઈ હતી. ‘ગોદાન’ અને ‘અનુરાધા’ સહિત અનેક ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું હતું.

ત્રણ ગ્રૅમી અવૉર્ડ મળ્યાં


ભારત સરકારે તેમને ૧૯૬૭માં પદ્મભૂષણ, ૧૯૮૧માં પદ્મવિભૂષણ અને ૧૯૯૯માં દેશનો સર્વોચ્ચ અવૉર્ડ ભારતરત્ન એનાયત કર્યો. ‘કાબુલીવાલા’ ફિલ્મમાં સંગીત માટે ૧૯૫૭માં તેમને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં સિલ્વર બીઅર પ્રાઇઝ આપવામાં આવ્યું. ૧૯૬૨માં તેમને સંગીત નાટક અકાદમીનો અવૉર્ડ આપવામાં આવ્યો. ૨૦૦૧માં રવિશંકરને સંગીત ક્ષેત્રે આપેલી તેમની અમૂલ્ય સેવા માટે બ્રિટન વતી ઑનરરી નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર રાણી એલિઝાબેથ-દ્વિતીય દ્વારા આપવામાં આવ્યો હતો. તેમને ૧૯૬૮, ૧૯૭૨ અને ૨૦૦૨માં એમ કુલ ત્રણ ગ્રૅમી અવૉર્ડ પણ મળ્યાં છે. ૧૯૭૫માં તેમને યુનેસ્કો ઇન્ટરનૅશનલ મ્યુઝિક કાઉન્સિલનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. ૧૯૯૨માં તેમને રેમન મૅગ્સેસે અવૉર્ડ આપવામાં આવ્યો હતો. ભારત સરકારે તેમને ૧૯૮૬માં રાજ્યસભાના મેમ્બર પણ નિયુક્ત કર્યા હતા. આ જ વર્ષે તેમણે પોતાના જન્મસ્થાન વારાણસીમાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર મ્યુઝિક ઍન્ડ પર્ફોર્મિંગ આટ્ર્‍સ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.

પ્રથમ લગ્ન નિષ્ફળ

તેમણે તેમના ગુરુ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાંની પુત્રી અન્નપૂર્ણાદેવી સાથે ૧૯૪૧માં લગ્ન કર્યો હતાં અને એક પુત્ર શુભેન્દ્ર શંકરનો જન્મ ૧૯૪૨માં થયો હતો. જોકે તેઓ જલદી અલગ થઈ ગયાં હતાં. ત્યાર પછી તેમને ડાન્સર કમલા શાસ્ત્રી સાથે રિલેશનશિપ હતી. અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં કૉન્સર્ટ પ્રોડ્યુસર સુ જોન્સ સાથે પણ તેમને અફેર હતું. તેનાથી તેમને ૧૯૭૯માં પુત્રી નોરાહ જોન્સનો જન્મ થયો હતો. નોરાહ સફળ સંગીતકાર છે અને આઠ વખત ગ્રૅમી અવૉર્ડ જીતી ચૂકી છે. રવિશંકરે ૧૯૮૯માં સુકન્યા રાજન સાથે લગ્ન કર્યો હતાં. તેઓ તેને ૧૯૭૦થી જાણતા હતા અને તેમના સંબંધોથી ૧૯૮૧માં તેમને બીજી પુત્રી અનુષ્કા જન્મી હતી. અંત સમયે સુકન્યા અને અનુષ્કા તેમની સાથે હતાં.

તેમનાં પ્રથમ લગ્નથી થયેલો પુત્ર શુભેન્દ્ર શંકર તેમની ટૂરમાં સાથે રહેતો હતો. ૧૯૯૨માં તેનું મૃત્યુ થયું હતું.

ફિલ્મ ‘ગાંધી’નું સંગીત આપ્યું

પહેલા આલબમને અવૉર્ડ

ત્રણ વાર ગ્રૅમી અવૉર્ડ મેળવનારા રવિશંકરને પહેલો ગ્રૅમી અવૉર્ડ તેમના ‘ઈસ્ટ મીટ્સ વેસ્ટ’ આલબમને મળ્યો હતો. આ આલબમ તેમણે વાયોલિનવાદક મેનુહિન સાથે કર્યું હતું. બીટલ્સ બૅન્ડના જ્યૉર્જ હેરિસન સાથે તેમણે બે આલબમ કર્યો હતાં, જેનાં નામ ‘શંકર ફૅમિલી ઍન્ડ ફ્રેન્ડ્સ’ અને ‘ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા’ હતાં. રવિશંકરે પંડિત જવાહરલાલ નેહરુના પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પરથી નૃત્યનાટિકા તૈયાર કરી હતી જેને વ્યાપક આવકાર મળ્યો હતો.

આ વર્ષે પિતા-પુત્રી સાથે થયાં છે નૉમિનેટ

૨૦૧૩ માટે રવિશંકરનું આલબમ ‘ધ લિવિંગ રૂમ સેશન્સ પાર્ટ-૧’ ગ્રૅમી અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યું છે. આ કૅટેગરીમાં તેમની પુત્રી અનુષ્કા પણ નૉમિનેટ થઈ છે.

તેમની આત્મકથાનું નામ ‘રાગ માલા’ છે.

સર રિચર્ડ ઍટનબરોની ફિલ્મ ‘ગાંધી’માં તેમણે સંગીત આપ્યું હતું.

સરખા નામને કારણે અમેરિકામાં ગોટાળો

સિતારવાદક પંડિત રવિશંકરના મૃત્યુના સમાચાર સાથે એક અમેરિકન ન્યુઝ વેબસાઇટે આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકરનો ફોટો મૂકતાં તેમના અનુયાયીઓમાં રોષ ફેલાઈ ગયો હતો. આર્ટ ઑફ લિવિંગના મિડિયા કો-ઑર્ડિનેટર કાર્તિક ક્રિષ્નાએ જણાવ્યું હતું કે ‘આર્ટ ઑફ લિવિંગની અનેક ઑફિસોમાંથી આ વિશે ફોન આવવા લાગ્યા હતા અને તેઓ શ્રી શ્રી રવિશંકરની તબિયત વિશે પૂછતા હતા. જોકે અમારે આ વિશે લોકોને જણાવવું પડ્યું હતું કે તેઓ સારા અને સાજા છે.’
"