06 November, 2026 10:39 AM IST | Sikkim | Gujarati Mid-day Correspondent
સિક્કિમ
દેશની રાજધાની દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈ જેવાં અનેક મોટાં શહેરો જ્યારે ગંભીર વાયુપ્રદૂષણનો સામનો કરી રહ્યાં છે ત્યારે હિમાલયની ગોદમાં આવેલા સિક્કિમમાં હવાની ગુણવત્તા એકદમ સ્વચ્છ નોંધાઈ હતી. સ્ટેટ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (SPCB)ના તાજેતરના આંકડા મુજબ જાન્યુઆરીથી ઑક્ટોબર ૨૦૨૬ સુધી રાજ્યનાં તમામ ૮ મૉનિટરિંગ સેન્ટરોમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૧૦૦ની નીચે જ રહ્યો છે. અહીં હવાની ગુણવત્તા સતત સારી અથવા સંતોષકારક શ્રેણીમાં નોંધાઈ હતી.
આ સમયગાળા દરમ્યાન સૌથી વધુ ૮૧ AQI પૂર્વ સિક્કિમના રંગપોમાં ફેબ્રુઆરી મહિનામાં નોંધાયો હતો, જ્યારે સૌથી ઓછો માત્ર ૧૯ AQI પશ્ચિમ સિક્કિમના પેલિંગમાં જુલાઈ મહિનામાં નોંધાયો હતો. આખા ૮ મહિના દરમ્યાન એક પણ સેન્ટર પર પ્રદૂષણનું સ્તર મધ્યમ (૧૦૧થી ૨૦૦) શ્રેણીમાં પહોંચ્યું નહોતું.
રાષ્ટ્રીય ધારાધોરણો મુજબ શૂન્યથી ૫૦ સુધીનો AQI સ્વાસ્થ્ય માટે સૌથી સારો અને ૫૧થી ૧૦૦ સંતોષકારક ગણાય છે. સિક્કિમના દક્ષિણ અને ઉત્તર ભાગોમાં જેમ કે રવાંગલા, નામચી અને ચુંગથાંગમાં પણ AQI મોટા ભાગે ૫૦ની નીચે જ રહ્યો હતો જે ત્યાંના સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત પર્યાવરણની સાબિતી આપે છે.