સિક્કિમમાં ઇન્ડિયન આર્મીએ સીમા ઓળંગી હોવાનો ચીનનો આક્ષેપ

28 June, 2017 07:53 AM IST  | 

સિક્કિમમાં ઇન્ડિયન આર્મીએ સીમા ઓળંગી હોવાનો ચીનનો આક્ષેપ


ભારતીય દળોએ સિક્કિમ સેક્ટરમાંના ચીનના પ્રદેશમાં ઘૂસણખોરી કરી હોવાના આક્ષેપ સાથેનો રાજદ્વારી વિરોધ ચીને નવી દિલ્હી અને બીજિંગમાં નોંધાવ્યો છે.

કૈલાસ અને માનસરોવર જતા ભારતીય યાત્રાળુઓ તિબેટમાં પ્રવેશ આપવાના ચીનના ઇનકાર પછી ગૅન્ગટૉક પાછા ફર્યા હતા. તેમનું હવે શું થશે એવા સવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમનો પ્રવાસ સલામતીનાં કારણોસર રદ્દ કરવામાં આવ્યો છે. સિક્કિમ સેક્ટરમાંના ચીનના પ્રદેશમાંથી ભારત એનાં દળોને હટાવશે પછી જ કૈલાસ અને માનસરોવરના યાત્રીઓને નાથુ લા પાસ માર્ગેથી એન્ટ્રી આપવામાં આવશે.

કૈલાસ અને માનસરોવર જતા ૪૭ ભારતીય યાત્રાળુઓને સિક્કિમની નાથુ લા બૉર્ડરથી તિબેટમાં પ્રવેશતાં ચીને અટકાવ્યા એનું દેખીતું કારણ એક રોડના નિર્માણનો વિવાદ છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે ચીને ડોન્ગલાન્ગ વિસ્તારમાં એક માર્ગનું નિર્માણ તાજેતરમાં શરૂ કર્યું હતું, પણ ભારતીય દળોએ વાસ્તવિક અંકુશ રેખા પાર કરીને એ કામ અટકાવી દીધું હતું.