ફરી માથું ઊંચકી રહ્યાં છે સિખ આતંકવાદી સંગઠનો

28 November, 2012 05:38 AM IST  | 

ફરી માથું ઊંચકી રહ્યાં છે સિખ આતંકવાદી સંગઠનો



૧૯૮૦ના દાયકામાં પંજાબમાં હાહાકાર મચાવનારાં સિખ આતંકવાદી સંગઠનો ફરી સક્રિય થઈ રહ્યા છે. ગઈ કાલે સરકારે સંસદમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો. સરકારના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને વિદેશમાં સ્થિત સિખ આતંકવાદી જૂથો પંજાબમાં તેમની પ્રવૃત્તિ ફરી તેજ કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.

રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન આર.પી.એન. સિંહે લોકસભામાં કહ્યું હતું કે જે દેશોમાં સિખ આતંકવાદી સંગઠનો સક્રિય છે એ દેશના વિદેશ મંત્રાલય સાથે આ બાબતે સહકાર માગવામાં આવ્યો છે. સિંહે એમ પણ કહ્યું હતું કે ‘સરકાર આ બાબતને લઈને સંપૂર્ણ સર્તક છે અને જે પણ સંગઠનો સિખ આતંકવાદને ફરી જીવિત કરવા માગે છે તેમની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.’

વધુમાં સિંહે કહ્યું હતું કે ૨૦૦૪ના અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ હેઠળ ખાલિસ્તાન તરફી આતંકવાદી સંગઠનો જેવાં કે બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ, ઇન્ટરનૅશનલ સિખ યુથ ફેડરેશન, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ અને ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ હજી પણ આતંકવાદી સંગઠનો છે.