સિધુ મૂસેવાલા મર્ડરના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની અમેરિકામાં અટકાયત

03 December, 2022 08:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કાચિંડાની જેમ દેખાવ બદલવામાં કુશળ, પંજાબ પોલીસના ડોઝિયરમાં તેના પાંચ અલગ-અલગ ફોટોગ્રાફ્સ

પ્રતીકાત્મક તસવીર

સિધુ મૂસેવાલા મર્ડરકેસમાં સુરક્ષા એજન્સીઓને મહત્ત્વની સફળતા મળી છે. મુખ્ય આરોપી કૅનેડાસ્થિત ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકન ઍન્ટિ-ટેરર કાયદા હેઠળ કૅલિફૉર્નિયામાંથી અટકાયત કરવામાં આવી છે. પંજાબ પોલીસના ડોઝિયરમાં ગોલ્ડી બ્રારના પાંચ અલગ-અલગ ફોટોગ્રાફ્સ છે. જેનાથી ખ્યાલ આવે છે કે છુપાવા માટે ગોલ્ડી પોતાનો દેખાવ બદલતો રહે છે. એટલું જ નહીં, તે પોતાનું રહેવાનું સ્થળ પણ બદલતો રહે છે.

સિધુ મૂસેવાલા તરીકે જાણીતો પંજાબી સિંગર-પૉલિટિશ્યન શુભદીપ સિંહ સિધુ આ વર્ષે મે મહિનામાં પંજાબના માનસા જિલ્લામાં તેની કારમાં જઈ રહ્યો હતો ત્યારે ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી. સતીન્દરજિત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ વતી આ હત્યા માટે જવાબદારી સ્વીકારી હતી. દરમ્યાનમાં મૂસેવાલાના પિતા બલકૌર સિંહે ગુરુવારે માગણી કરી હતી કે કૅનેડામાં રહેતા આ ગૅન્ગસ્ટર વિશે માહિતી આપનાર માટે કેન્દ્ર સરકાર બે કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરે. સૂત્રો અનુસાર બરાડની ૨૦ નવેમ્બરે કૅલિફૉર્નિયામાં અટકાયત કરવામાં આવી હતી. પંજાબના શ્રી મુક્તસર સાહિબનો વતની બ્રાર ૨૦૧૭માં સ્ટુડન્ટ વિઝા પર કૅનેડામાં પ્રવેશ્યો હતો, એ પછી તે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગમાં જોડાયો હતો. પંજાબ પોલીસના પ્રવક્તા અનુસાર મૂસેવાલાના મર્ડરના દસ દિવસ પહેલાં જ બ્રારની વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ ઇશ્યુ કરવા માટે સીબીઆઇને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેથી તેને ભારત લાવી શકાય. 

કૅનેડાથી કૅલિફૉર્નિયા ભાગ્યો હતો

ઇન્ટેલિજન્સ એજન્સીઓનાં સૂત્રો અનુસાર બરાડની વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કૉર્નર નોટિસ ઇશ્યુ કરી હતી. શરૂઆતથી ઇન્પુટ્સ હતા કે તે કૅનેડામાં છે. ઇન્ટરપોલ સક્રિય હતી. કૅનેડામાં પોલીસ પણ ગમે ત્યારે તેને પકડવા જઈ શકતી હતી. આ જ કારણે તે અમેરિકા જતો રહ્યો હતો. જોકે અમેરિકાને પણ એના વિશે જાણકારી આપવામાં આવી હતી.

national news