રામ જેઠમલાણીની જીભ કાપી નાખે એને ૧૧ લાખનું ઇનામ

11 November, 2012 03:59 AM IST  | 

રામ જેઠમલાણીની જીભ કાપી નાખે એને ૧૧ લાખનું ઇનામ

શ્રી હિન્દુ ન્યાયપીઠ વિધાન પરિષદ નામના સંગઠને ગઈ કાલે લુધિયાણામાં આ જાહેરાત કરતાં જેઠમલાણીને પાર્ટીમાંથી કાઢી મૂકવા બીજેપીને અપીલ કરી છે. રામ જેઠમલાણીએ હમણાં જ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમ્યાન ભગવાન રામને ખરાબ પતિ ગણાવ્યા હતા. તેમના આ નિવેદનથી નારાજ સંગઠને આ જાહેરાત કરી હતી.

પરિષદના પંજાબ એકમના પ્રમુખ પ્રવીણ ડંગે કહ્યું હતું કે દિવાળી પછી જેઠમલાણી સામે મોટા પાયે દેખાવો કરવામાં આવશે. રામ જેઠમલાણીના નિવેદન પછી અનેક જાણીતા સંતોએ નારાજગી વ્યક્ત કરી હતી. જેઠમલાણીએ જોકે પોતાના નિવેદન બદલ માફી માગવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હીમાં સ્ત્રી-પુરુષ સંબંધો પર આધારિત એક પુસ્તકના લોકાર્પણ વખતે જેઠમલાણીએ કહ્યું હતું કે મને રામ સહેજ પણ પસંદ નથી, કારણ કે તેમણે એક ધોબીની વાત સાંભળીને પોતાની પત્નીને કાઢી મૂકી હતી. જેઠમલાણીએ લક્ષ્મણને ખરાબ ગણાવતાં કહ્યું હતું કે સીતાનું અપહરણ થયા પછી જ્યારે રામે લક્ષ્મણને સીતાને શોધવાનો આદેશ આપ્યો ત્યારે લક્ષ્મણે એવી દલીલ કરી હતી કે મેં ભાભીનો ચહેરો જોયો નહીં હોવાથી હું તેમને નહીં શોધી શકું.

અયોધ્યાના રામલલા મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે આ પ્રકારનાં નિવેદનો કોઈ મૂર્ખ કે પાગલ જ કરી શકે છે.