કિશોરી ઘૂંટણિયે ઘસડાતી રહી, દર્દ સહન કરતી રહી, સરકારી હૉસ્પિટલે ઇલાજ વિના પાછી મોકલી

05 May, 2025 07:02 AM IST  |  Nainital | Gujarati Mid-day Correspondent

૧૨ એપ્રિલે બળાત્કાર થયો, ૨૫ એપ્રિલે હલ્દવાનીની હૉસ્પિટલે સારવાર આપવાને બદલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા કહ્યું, ૧૯ દિવસ બાદ કિશોરીએ જ્યારે મોઢું ખોલ્યું ત્યારે હકીકતની જાણ થઈ

પ્રતીકાત્મક તસવીર

નૈનીતાલ બળાત્કાર કેસમાં નવા-નવા ખુલાસા, ૨૦૦ રૂપિયાની લાલચ આપીને ૭૫ વર્ષના આરોપીએ કિશોરીને પીંખી નાખી

નૈનીતાલ બળાત્કાર કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. બળાત્કાર બાદ ૭૫ વર્ષના આરોપી મોહમ્મદ ઉસ્માને આપેલી ધમકીને કારણે ૧૨ વર્ષની કિશોરી ૧૦ દિવસ સુધી ગુમસૂમ રહી હતી. તેને પેટ અને કમરમાં એટલું બધું દુખતું હતું કે તે ચાલી શકતી નહોતી, માત્ર ઘૂંટણિયે ઘસડાતી રહી હતી. એટલું જ નહીં, તેને જ્યારે હલ્દવાનીની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરોએ ઇલાજ કરવાને બદલે તેને ઘરે પાછી મોકલી આપી હતી.

દાદીના ઘરે રહેતી હતી

આ કિશોરીનાં માતા-પિતાના છૂટાછેડા થયા છે. માતાએ ૨૦૧૬માં બીજાં લગ્ન કર્યાં છે અને તે બીજા પતિ સાથે ઉત્તર પ્રદેશના સંભલમાં રહે છે. પહેલા પતિથી તેને બે દીકરી છે જે નૈનીતાલમાં દાદીના ઘરે રહે છે અને પ્રાઇવેટ સ્કૂલમાં સાતમા અને આઠમા ધોરણમાં ભણે છે. આ બે દીકરીની સંભાળ રાખવા તે પંદર દિવસે નૈનીતાલ આવતી હતી.

૧૨ એપ્રિલે દુષ્કર્મની ઘટના

બળાત્કાર સંદર્ભે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ૧૨ એપ્રિલે કિશોરી સામાન ખરીદવા માટે દુકાનમાં ગઈ હતી ત્યારે મોહમ્મદ ઉસ્માન ૨૦૦ રૂપિયા આપવાની લાલચ આપીને તેને પોતાના ઘરે લઈ ગયો હતો અને ગૅરેજમાં પાર્ક કરેલી કારમાં તેના પર બળાત્કાર કર્યો હતો. કિશોરીએ વિરોધ નોંધાવ્યો ત્યારે તેણે ચાકુ બતાવીને મોં બંધ કરી દીધું હતું અને આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.

કિશોરી માંડ-માંડ ઘરે પહોંચી

બળાત્કાર બાદ એકદમ ડરી ગયેલી કિશોરી માંડ-માંડ ઘરે પહોંચી હતી. તેની મોટી બહેને પૂછતાં તે ચૂપ જ રહી હતી. કેટલાક દિવસ તે ગુમસૂમ રહી હતી. તેની મોટી બહેને નાનીને ઘરે બોલાવી ત્યારે તેની સામે પણ તે ચૂપ રહી. ત્યાર બાદ ૨૩ એપ્રિલે તેની મમ્મીને બોલાવવામાં આવી અને બે દિવસ સુધી પૂછપરછ બાદ પણ આ કિશોરી કંઈ બોલી શકી નહીં. બેઉ બહેનોએ સ્કૂલમાં જવાનું પણ બંધ કરી દીધું હતું.

હૉસ્પિટલે પાછી મોકલી દીધી

કિશોરીની હાલતમાં કોઈ સુધારો ન થતાં ૨૫ એપ્રિલે મમ્મી આ કિશોરીને લઈને હલ્દવાનીમાં આવેલી મહિલા હૉસ્પિટલમાં પહોંચી હતી. આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)નું ફૉર્મ પણ ભર્યું હતું. જોકે ડૉક્ટરે કિશોરીને જોઈને કહ્યું કે પહેલાં પોલીસ પાસે જાઓ, પછી જ ઇલાજ થશે. આથી મમ્મી કિશોરીને લઈને ઘરે પાછી ફરી.

પોલીસમાં જવાની સલાહ આપી

કિશોરી સાથે કંઈક અઘટિત થયું છે એવી જાણ મોહલ્લાને થઈ ગઈ હતી એટલે ૩૦ એપ્રિલે એક સમાજસેવી મહિલાએ આવીને કિશોરીની મમ્મીને પોલીસ-સ્ટેશનમાં જવાની સલાહ આપી. આ મહિલા અને મમ્મીએ ફરીથી કિશોરીને પૂછતાં તેણે બળાત્કારની જાણકારી આપી હતી. આ સાંભળતાં મમ્મીએ કહ્યું હતું કે જો મારી પાસે હાલમાં ચાકુ હોત તો હું ઉસ્માનને મારી નાખત.

૧૯ દિવસ બાદ ઘટના બહાર આવી

આમ ૧૨ એપ્રિલે બનેલી બળાત્કારની ઘટનાની જાણકારી છેક ૧૯ દિવસ બાદ બહાર આવી હતી અને એને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

શિક્ષણનો ખર્ચ સરકાર ઉઠાવશે

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે ‘બેઉ કિશોરીઓના શિક્ષણનો ખર્ચ સરકાર ઉપાડી લેશે. આ પરિવારને મદદ કરવા સરકાર દરેક સંભવ પ્રયાસ કરશે.’

બીજી તરફ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ વંદનાએ કહ્યું હતું કે ‘કિશોરીને સ્કૉલરશિપ યોજના હેઠળ દર મહિને ૪૦૦૦ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય દુષ્કર્મ પીડિતને બીજી યોજના હેઠળ પણ સહાય આપવામાં આવશે.’

આ પરિવારને પોલીસ-સંરક્ષણ આપવામાં આવ્યું છે. આ સિવાય બે કાઉન્સેલરો પણ તેમની સાથે નિયમિત વાતચીત કરતા રહે છે.

ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ વંદનાએ જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં કિશોરીને ઇલાજ માટે ના પાડનારા ડૉક્ટરની સામે કાર્યવાહી કરવામાં આવશે.

nainital Rape Case uttarakhand crime news national news news sexual crime Protection of Children from Sexual Offences Act POCSO