અડવાણીએ સાન ઠેકાણે લાવી ઉદ્ધવની

01 November, 2014 05:45 AM IST  | 

અડવાણીએ સાન ઠેકાણે લાવી ઉદ્ધવની

આમ તો અત્યારે શિવસેના અને BJP વચ્ચેની મંત્રણાઓ સુમેળભરી રીતે ચાલતી હોવાનું કહેવાય છે, પરંતુ બન્ને પાર્ટીઓ વચ્ચે પડેલું અંતર દૂર કરવામાં લાલ કૃષ્ણ અડવાણીની મુખ્ય ભૂમિકા હોવાની ચર્ચા ચાલે છે. અડવાણી સભાસ્થળે વહેલા પહોંચ્યા હોવા છતાં તેઓ ઉદ્ધવ ઠાકરેની રાહ જોતા ઊભા હતા અને ઉદ્ધવ આવ્યા પછી જ તેઓ બન્ને સાથે સ્ટેજ પર ગયા હતા. અડવાણીએ ઉદ્ધવને ગુરુવારે પણ ફોન કર્યો હતો અને તેમને BJP સાથે નવેસરથી મંત્રણા શરૂ કરવા જણાવ્યું હતું. ગ્થ્ભ્નાં સિનિયર સૂત્રોએ જણાવ્યા મુજબ ગુરુવારે દિલ્હીથી માતોશ્રીમાં ફોન કરવામાં આવ્યો હતો અને તેમને BJPને અનુકૂળ ન થવાય તો હંમેશ માટે બન્ને પક્ષોનું ગઠબંધન ભૂલી જવા જણાવવામાં આવ્યું હતું.


અડવાણીએ અગાઉ અનેક વખત BJPને શિવસેના સાથે જોડાવાની સલાહ આપી છે અને તેમને શિવસેના માટે સૉફ્ટ કૉર્નર હોવાની વાત જાણીતી છે. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી તરત અડવાણીએ શિવસેના સાથે મળીને સરકાર રચવાની સલાહ આપી હતી અને એ દરમ્યાન શિવસેનાએ પણ સર્પોટ ઑફર કર્યો, પરંતુ શિવસેનાની ઑફર જાણ્યા પછી એની માગણીઓ સ્વીકારી શકાય એમ ન હોવાનું જણાવતાં BJPએ વાટાઘાટો આગળ નહોતી ધપાવી. 


ગુરુવારે શિવસેનાનાં પ્રવક્તા નીલમ ર્ગોહેએ જણાવ્યું હતું કે ‘શપથવિધિમાં હાજરી ન આપવાનો નર્ણિય આખરી નથી. શુક્રવારે સવાર સુધીમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે અને બન્યું પણ એ પ્રમાણે જ. સેનાએ દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેને BJPના નૅશનલ પ્રેસિડન્ટ અમિત શાહે ફોન કરીને શપથવિધિમાં હાજર રહેવા વિનંતી કરી હતી, પરંતુ BJPના નેતા રાજીવ પ્રતાપ રૂડીએ આવો કોઈ ફોન આવ્યો હોવાનો ઇનકાર કર્યો હતો.


BJP અને શિવસેના વચ્ચેની રકઝક વિશે સેનાના સિનિયર હોદ્દેદારે જણાવ્યું હતું કે ‘ગુરુવાર સુધી BJPએ એક પણ વખત વાત ન કરી એ વિશે પાર્ટીને અપમાનજનક લાગ્યું હતું, પરંતુ તેમના પાર્ટી-પ્રેસિડન્ટે ફોન કરીને વાત કરી ત્યાર પછી બધું સ્પષ્ટ થઈ ગયું છે. અમારા નેતાએ શપથવિધિમાં હાજર રહેવાનો નર્ણિય લીધો છે.’
હવે રાજ્યમાં મોટા ભાઈની ભૂમિકામાં આવી ગયેલા BJPએ પણ મોટા દાવા કરતાં ‘શિવસેનાએ સામેથી આવવું હોય તો આવે’ એવી વાતો કરવા માંડી હતી, પરંતુ આજની સ્થિતિમાં એ BJPના નેતાઓએ પણ કૂણા પડીને વાત કરી હોવાનું જણાય છે.


ખરેખર બન્યું હતું એવું કે અડવાણીએ ગુરુવારે માતોશ્રીમાં ફોન કરીને ઉદ્ધવ સાથે વાતો કરી હોવાનું મનાય છે. એ પછી સેનાના અનિલ દેસાઈ અને BJPના ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે વાતો થઈ હોવાનું મનાય છે. એ પછી દેસાઈ શુક્રવારે સવારે દિલ્હી ગયા અને ત્યાં અરુણ જેટલી તથા અમિત શાહને મળ્યા. એ મુલાકાતો પછી જેટલી અને અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરીને તેમને શપથવિધિમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું. આ ઘટનાક્રમ બાબતે સેનાનાં સિનિયર સૂત્રોએ જણાવ્યું હતું કે ‘અડવાણીએ ઉદ્ધવને સૉફ્ટ બનવા કહીને તેના નેતાઓ દ્વારા BJP સાથે નવેસરથી મંત્રણા શરૂ કરવા જણાવ્યું હતું.’
ઉદ્ધવની શપથવિધિમાં હાજરી બાબતે રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું હતું કે ‘આ એક આવકારપાત્ર પગલું છે. જોકે એ બાબત (સેનાને પ્રધાનપદ આપવા વિશે) વાટાઘાટોનો વિષય છે. કોઈએ કોઈને ફોન કર્યાની મને ખબર નથી.’


વિધાનસભામાં BJPની સ્થિતિમાં એના ૧૨૧ સભ્યો (એક વિધાનસભ્યનું મૃત્યુ) છે અને ગૃહમાં એને ૧૫ વિધાનસભ્યોનો સર્પોટ છે. આમ સંખ્યાબળ ૧૩૮ પર પહોંચે છે. મૅજિક ફિગર ૧૪૪નો છે અને BJPને રાજ્યમાં સ્થિર સરકાર જોઈએ છે. NCPએ બિનશરતી ટેકાની ઑફર કરી છે, પરંતુ નૈતિક દૃષ્ટિએ એનો ટેકો લઈ શકાય એમ નથી એથી BJP શિવસેનાને સાથે લેવા ઇચ્છે છે. સેના આ હકીકત સારી રીતે જાણતી હોવાથી એ પરિસ્થિતિનો બરાબર લાભ લેવા માગે છે, પરંતુ એ ઉદ્દેશ પાર પાડવામાં અત્યાર સુધી શિવસેના નિષ્ફળ ગઈ છે, કારણ કે અત્યાર સુધી એની બધી માગણીઓ BJPએ ફગાવી દીધી છે, પરંતુ હવે શિવસેના માટે BJP જેમ કહે એમ કર્યા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી.