સત્તા ન મળે તો શિવસેનામાં બળવાની આશંકા

24 October, 2014 04:27 AM IST  | 

સત્તા ન મળે તો શિવસેનામાં બળવાની આશંકા




કુર્લાના એક શિવસૈનિકે જણાવ્યું હતું કે ‘BJPએ અમારી સાથે ઘણો જ ખરાબ વર્તાવ કર્યો છે. ઉદ્ધવજીએ BJP પાસે ન જવું જોઈએ. BJP અમારો સાથ એ માટે માગે છે, કારણ કે એને ટેકાની જરૂર છે, નહીં કે અમારી વિચારસરણી એકસરખી છે.

વિલે પાર્લે‍ના શિવસેનાના એક વરિષ્ઠ કાર્યકર્તા જણાવે છે કે ‘જો શિવસેના BJP સાથે જાય તો એના કાર્યકર્તાઓને ખોટો સંદેશ જશે. જે રીતે BJPએ અમારી સાથે ૨૫ વર્ષનો સંબંધ તોડી નાખ્યો એ ખરેખર ટીકાને પાત્ર છે. હવે BJPને શિવસેનાનો સાથ જોઈએ છે, કારણ કે એને NCPના ટેકાની ખાતરી નથી.’

જોકે શિવસેનાના નેતા સુભાષ દેસાઈએ આ મતભેદોને નકારતાં જણાવ્યું હતું કે શિવસેનામાં કોઈ ઘટકો કે જૂથો નથી. દરેક નિર્ણય ઉદ્ધવજી લે છે, જેનો સૌ સ્વીકાર કરે છે.

રાજકીય પંડિતો જણાવે છે કે જો બીજી વાર શિવસેના BJP એક થયાં તો માતોશ્રી અને શિવસૈનિકો વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બનશે. જ્યારે ઉચ્ચ પદે બિરાજમાન નેતાઓ BJP સાથે જોડાવા ઉત્સુક છે, કારણ કે તેમને તેમના રાજકીય અસ્તિત્વની ચિંતા સતાવી રહી છે.

NCPના એક નેતાએ જણાવ્યું હતું કે ‘બાળાસાહેબની વિચારસરણી અને નીતિમાં માનનારા શિવસૈનિકો ઉદ્ધવના નેતૃત્વ હેઠળ BJP સાથે જવાની કૂદાકૂદ જોઈને જરૂર હતાશ થશે, પરંતુ ઉદ્ધવ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેણે BJP સાથે જોડાઈને તેનાં સત્તાવિહોણાં ૧૫ વષોર્નો અંત લાવવો જરૂરી છે. ત્યાર બાદ ઉદ્ધવ વરિષ્ઠ નેતાઓને પ્રધાનપદ આપીને પક્ષ પર ધ્યાન આપી એમાં એકતા લાવી શકે છે. જો પાર્ટી સત્તાથી દૂર રહે તો પાર્ટીમાં બળવા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે.’

દરમ્યાન સુભાષ દેસાઈએ જણાવ્યું હતું કે ‘મંગળવારે BJP સાથે પ્રાથમિક વાતચીત થઈ છે. અમે કોઈ પ્રસ્તાવ રજૂ કર્યો નથી. અમે વિચારોની આપ-લે કરી હતી. અંતિમ નિર્ણય ઉદ્ધવજી લેશે.’

નોંધનીય છે કે ઉદ્ધવે સુભાષ દેસાઈ અને અનિલ દેસાઈને મંગળવારે દિલ્હી મોકલ્યા હતા. એથી સ્પષ્ટ થઈ ગયું હતું કે શિવસેના BJPને ટેકો આપવા તૈયાર છે.