શિવસેનાને આખરે BJPની ફૉમ્યુર્લા સ્વીકાર્ય છે, પણ કન્ડિશન અપ્લાય

02 December, 2014 07:05 AM IST  | 

શિવસેનાને આખરે BJPની ફૉમ્યુર્લા સ્વીકાર્ય છે, પણ કન્ડિશન અપ્લાય







શિવસેનાના આગ્રહને કારણે સમજૂતી વિશે જાહેરાત કરવામાં મોડું થયું છે. એમ લાગતું હતું કે સમજૂતી વિશે ઔપચારિક ઘોષણા ગઈ કાલે બપોરે કરવામાં આવશે, પરંતુ ૨૦૧૭ની સુધરાઈની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિવસેનાએ તકનો લાભ લઈ જાહેરાત કરવામાં  વિલંબ કયોર્ હતો. આને કારણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પોતાની નાગપુરની મુલાકાત ટૂંકાવીને આ બાબતે અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી લેવા દિલ્હી ઊપડી ગયા હતા. તેમની સાથે સમજૂતીની વાતચીતમાં અગત્યનો રોલ ભજવી રહેલા સાર્વજનિક બાંધકામ પ્રધાન ચંદ્રકાંત પાટીલ પણ દિલ્હી ગયા છે.

ઉદ્ધવ ઠાકરે કરશે જાહેરાત

શિવસેનાના રાજ્યસભાના સભ્ય અનિલ દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે  BJP સાથે સમજૂતીની તમામ સત્તા ઉદ્ધવ ઠાકરે પાસે છે અને માત્ર ઉદ્ધવ જ સમજૂતીની જાહેરાત કરશે. આ નિવેદન ઉદ્ધવની તેના નિકટના સહયોગીઓ સાથેની વાતચીત પછી આવ્યું હતું. જો સમજૂતીની જાહેરાત થાય તો પણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એ. આર. અંતુલેના અવસાનને લીધે પ્રધાનમંડળનો વિસ્તાર થઈ શકશે નહીં. પાંચ ડિસેમ્બરે પ્રધાનમંડળનો વિસ્તાર થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે એમ એક વરિષ્ઠ BJPના નેતાએ જણાવ્યું હતું.

શિવસેનાના કેટલા પ્રધાન?

શિવસેનાને પાંચ કૅબિનેટ પ્રધાન અને સાત રાજ્યપ્રધાનોની નિમણૂક કરવાની છૂટ આપવામાં આવશે જેમાં મુખ્યત્વે સાર્વજનિક બાંધકામ વિભાગ, સિંચાઈ વિભાગ, પર્યાવરણ વિભાગ, રાજ્યનું એક્સાઇઝ ખાતું, આરોગ્ય વિભાગ અને ઊર્જા વિભાગ સામેલ છે. જોકે શિવસેના મહત્વના વિભાગો માગી રહી છે. એને આ વિભાગોમાં રાજ્ય પ્રધાનપદ આપવામાં આવશે.  શરૂઆતમાં પ્રધાનમંડળનો વિસ્તાર ૬ ડિસેમ્બરે રાખવાની વાત હતી એ પાછળથી પાંચ ડિસેમ્બર કરવામાં આવી હતી, કારણ કે ૮ ડિસેમ્બરથી શરૂ થતા વિધાનસભાના

શિયાળુ સત્ર માટે વહેલી તૈયારીઓ થઈ શકે.

ત્રણ દિવસમાં પ્રધાનમંડળનો વિસ્તાર

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે દિલ્હી પહોંચીને મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એ. આર. અંતુલેનું નિધન થવાથી રાજ્યમાં ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર પછી જ પ્રધાનમંડળનો વિસ્તાર કરવામાં આવશે.’

રોજની ૩૦૦ ફાઇલો ક્લિયર કરું છું : ફડણવીસ

મહારાષ્ટ્રમાં બનેલી BJPની નવી સરકાર અગાઉની સરકારોની જેમ ફાઇલો પર બેસી રહેવા માટે સર્જાઈ નથી એવી ટકોર કરીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે રાત્રે ડોમ્બિવલીમાં આગ્રી મહોત્સવમાં કહ્યું હતું કે ‘અગાઉની સરકાર મારા માટે ઘણું કામ મૂકીને ગઈ છે. મારા ટેબલ પર રોજ ૩૦૦ ફાઇલો આવે છે અને એ રોજેરોજ ક્લિયર થાય છે. રાજ્યના નાગરિકો પાસેથી આશરે ૨૦૦૦ મેમોરેન્ડમ આવે છે. જે ફાઇલોમાં ઓપિનિયન લેવાનો હોય એમને જ સંબંધિત ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે.’