ઘર ચલાવવા ૬૦૦ રૂપિયા પૂરતા : શીલા દીક્ષિત

17 December, 2012 02:52 AM IST  | 

ઘર ચલાવવા ૬૦૦ રૂપિયા પૂરતા : શીલા દીક્ષિત

દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે શનિવારે આપેલા એક નિવેદનથી ઘણાનું મોં મચકોડાયું છે. શીલા દીક્ષિતનું કહેવું છે કે પાંચ સભ્યોના પરિવારમાં ઘર ચલાવવા માટે માત્ર ૬૦૦ રૂપિયા પૂરતા છે. એટલે કે માત્ર ચાર જ રૂપિયામાં એક વ્યક્તિ દિવસ કાઢી શકે છે. દિલ્હીમાં અન્ન શ્રી યોજના નામની સ્કીમ લૉન્ચ કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાને આ નિવેદન આપ્યું હતું.

શીલા દીક્ષિતે કહ્યું હતું કે દાળ, રોટલી અને ચોખા માટે ગરીબ પરિવારને ૬૦૦ રૂપિયાની સબસિડી પૂરતી છે. રસપ્રદ વાત એ છે કે શીલા દીક્ષિતે આ નિવેદન આપ્યું ત્યારે કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી પણ હાજર હતાં. દિલ્હી સરકારે શનિવારે અન્ન શ્રી નામની યોજના શરૂ કરી હતી. આ યોજનાના ભાગરૂપ જરૂરિયાતમંદ પરિવારોને રૅશન ખરીદવા માટે દર મહિને ૬૦૦ રૂપિયા આપવામાં આવશે. સ્કીમની ખાસ વાત એ છે કે આ રકમ પરિવારની મુખ્ય મહિલા સભ્યના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર થશે. શનિવારે આ સ્કીમ લૉન્ચ કરતી વખતે શીલા દીક્ષિતે આપેલા નિવેદનથી ઘણા લોકો નારાજ થયા હતા. સ્કીમનો લાભ મેળવનારી મહિલાઓનું કહેવું હતું કે દર મહિને રૅશનનો ખર્ચ અંદાજે એક હજારથી ત્રણ હજાર રૂપિયા થાય છે.