દલાલ કહેવા બદલ શીલા દીક્ષિતે કેજરીવાલને આપી લીગલ નોટિસ

23 October, 2012 05:27 AM IST  | 

દલાલ કહેવા બદલ શીલા દીક્ષિતે કેજરીવાલને આપી લીગલ નોટિસ



દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે ગઈ કાલે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)ના સભ્ય અરવિંદ કેજરીવાલને માનહાનિ બદલ કાનૂની નોટિસ આપીને બે દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. આઇએસી દિલ્હીમાં વીજળી અને પાણીના મુદ્દે રાજ્ય સરકાર સામે આંદોલન કરી રહી છે. એક ટીવીચૅનલ સાથે વાત કરતાં કેજરીવાલે આ સંદર્ભમાં શીલા દીક્ષિતને દલાલ કહ્યાં હતાં.

માફી માગે કેજરીવાલ

કેજરીવાલ સરકાર અને વીજકંપનીઓ વચ્ચેના સંબંધોને લઈને દીક્ષિત પર આક્ષેપો કરી રહ્યા હતા ત્યારે તેમણે આ શબ્દ વાપર્યો હતો. નારાજ દીક્ષિતે તેમના પૉલિટિકલ સેક્રેટરી પવન ખેરા દ્વારા અરવિંદ કેજરીવાલને લીગલ નોટિસ ફટકારી હતી. આ નોટિસમાં કેજરીવાલ પર દિલ્હીનાં મુખ્ય પ્રધાનની માનહાનિ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નોટિસમાં કેજરીવાલને તેમની ટિપ્પણી પાછી ખેંચી માફી માગવાની માગણી કરવામાં આવી છે. શીલા દીક્ષિતે કેજરીવાલ પર રાજકીય સ્વાર્થ માટે લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો.

કેજરીવાલનો જવાબ

લીગલ નોટિસ વિશે પ્રતિક્રિયા આપતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘હું કોઈ પણ નોટિસથી ડરતો નથી. શીલા દીક્ષિતની માનહાનિ તેમનાં કામોને કારણે થઈ રહી છે. મને એવું કહેવાયું છે કે તમને લીગલ નોટિસ મોકલવામાં આવી છે, પણ હું આ નોટિસનો જવાબ આપતાં શીલા દીક્ષિતને કહીશ કે જ્યાં સુધી તમે લોકો વિરુદ્ધનાં કામ કરતાં રહેશો ત્યાં સુધી હું આમ કરતો રહીશ. અમે કોઈ પણ લીગલ નોટિસથી ડરતા નથી.’ કેજરીવાલે શીલા દીક્ષિત પર વીજકંપનીઓને ફાયદો પહોંચાડવા મનફાવે એમ વીજળીના ભાવ વધારી દેવાનો આરોપ મૂક્યો હતો.

કૉન્ગ્રેસ જેવા હાથીનું કેજરીવાલ જેવી કીડી કાંઈ બગાડી શકે નહીં

કેન્દ્રીય કાયદાપ્રધાન સલમાન ખુરશીદને અરવિંદ કેજરીવાલ પ્રત્યે કેટલો રોષ છે તેનો વધુ એક પુરાવો ગઈ કાલે મળ્યો હતો. કેજરીવાલ રાજકીય સ્વાર્થ માટે મોટા પક્ષો સામે આક્ષેપો કરી રહ્યા હોવાનો દાવો કરતાં ખુરશીદે કહ્યું હતું કે કૉન્ગ્રેસ જેવા હાથીનું કેજરીવાલ જેવી કીડી કશું બગાડી શકશે નહીં. કેજરીવાલે તેમની એનજીઓને મળતા વિદેશી ભંડોળ વિશે ખુલાસો કરવો જોઈએ એમ જણાવતાં ખુરશીદે કહ્યું હતું કે અમારી પાર્ટી સાથે બાથ ભીડવા માટે તેઓ (કેજરીવાલ) ઘણા નાના છે. મને કેજરીવાલથી કોઈ ડર નથી. એક હજાર કીડીઓ મળીને હુમલો કરે તો પણ હાથીનું કંઈ બગાડી શકશે નહીં. ઉત્તર પ્રદેશમાં આવેલા પોતાના સંસદીય મત વિસ્તાર ફરુખાબાદમાં ખુરશીદે આમ કહ્યું હતું.