✕

શેખ હસીના ૧૬ ડિસેમ્બરે બંગલાદેશ પાછા ફરશે

25 November, 2026 03:16 PM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

હસીનાની વાપસી વિશે સરકારી પ્રવક્તાએ મૌન સેવ્યું છે, પરંતુ વિદેશ રાજ્ય પ્રધાન હુમાયૂં કબીરે સ્પષ્ટ કર્યું કે તેમને માત્ર હાથકડીમાં કે કડક નિગરાની હેઠળ જ પાછાં લાવી શકાય.

શેખ હસીના અને હુમાયૂં કબીર

બે વર્ષથી વધુ સમયથી ભારતમાં રહેતાં બંગલાદેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ૧૬ ડિસેમ્બરે વતન પરત ફરશે. તેમના પ્રવક્તાની મંગળવારની આ જાહેરાતથી દેશમાં રાજકીય અને કાયદાકીય તનાવ વકર્યો છે. ૧૯૭૧ના મુક્તિ સંગ્રામના વિજય દિવસે પરત ફરવાની જાહેરાત સાથે હસીનાએ પ્રથમ વાર વાપસીની ચોક્કસ તારીખ નક્કી કરી હતી. તેમણે સરકાર પાસે પોતાના દસ્તાવેજો પરત કરવાની અને સરકારી ‘બિમાન બંગલાદેશ ઍરલાઇન્સ’ની વ્યવસ્થા કરવાની માગણી કરી હતી. બીજી તરફ અવામી લીગે ફેસબુક પોસ્ટમાં તેમને જનનેતા ગણાવી ૧૬ ડિસેમ્બરે હાઇવે પર જનતા જામની જાહેરાત કરી હતી.

હસીનાની વાપસી વિશે સરકારી પ્રવક્તાએ મૌન સેવ્યું છે, પરંતુ વિદેશ રાજ્ય પ્રધાન હુમાયૂં કબીરે સ્પષ્ટ કર્યું કે તેમને માત્ર હાથકડીમાં કે કડક નિગરાની હેઠળ જ પાછાં લાવી શકાય. અગાઉ રવિવારે ચેતવણી આપી હતી કે તેઓ પરત ફરશે તો ધરપકડ કરી જેલમાં મોકલાશે અને વિમાન વિશે ભારત સાથે કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી. યુનાઇટેડ નેશન્સ મુજબ ૨૦૨૪ની હિંસામાં અંદાજે ૧૪૦૦ લોકોનાં મોત બાદ હસીનાએ સત્તા છોડવી પડી હતી. વિદ્યાર્થી આંદોલનને હિંસક રીતે દબાવવાના આદેશના આરોપસર ગયા વર્ષે નવેમ્બરમાં યુદ્ધ અપરાધ કોર્ટે તેમની ગેરહાજરીમાં તેમને ફાંસીની સજા સંભળાવી હતી, જે આરોપો તેમણે ફગાવી દીધા હતા.

bangladesh sheikh hasina india political news news national news