યોગી કૅબિનેટના કુંભસ્નાન વિશે શશિ થરૂરે કર્યો કટાક્ષ

31 January, 2019 11:00 AM IST  | 

યોગી કૅબિનેટના કુંભસ્નાન વિશે શશિ થરૂરે કર્યો કટાક્ષ

શશી થરૂર

અલાહાબાદના કુંભમેળામાં એક તરફ ધર્મસંસદ પણ ચાલી રહી હતી એ માહોલમાં ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળની બેઠક બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને તેમના પ્રધાનોના સ્નાનની તસવીરો પર કૉંગ્રેસના શશિ થરૂરના કટાક્ષનો BJPએ સજ્જડ જવાબ આપ્યો છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર યોગી કૅબિનેટના પ્રધાનોની કુંભસ્નાનની તસવીરો સાથે કટાક્ષ કરતાં કૉંગ્રેસના નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે ‘ગંગા માતાને સ્વચ્છ પણ રાખવી છે અને એમાં પાપ પણ ધોવાં છે. આ સંગમમાં સૌ ર્નિવસ્ત્ર છે. ગંગા મૈયાનો જય હો...’

શશિ થરૂરના એ ટ્વીટને કારણે જબરો વિવાદ જાગ્યો છે. શશિ થરૂરને જવાબ આપતાં ઉત્તર પ્રદેશના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું હતું કે ‘તેમને વળી કુંભમેળાનું મહત્વ કેવી રીતે સમજાય? તેમનો ઉછેર જે માહોલ અને સંસ્કૃતિમાં થયો છે એમાં આવું કંઈ સમજાતું નથી. તમે બધાએ ઘણાં ખરાબ કામ કર્યાં છે. એથી એક ડૂબકી મારો તો તમે પશ્ચાત્તાપને લાયક બનશો.’

કેન્દ્રનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ શશિ થરૂર કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના ઇશારે આવું વર્તન કરતા હોવાનો આરોપ મૂક્યો હતો. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ‘ચૂંટણી પહેલાં જનોઈ પહેરનારાઓએ શશી થરૂરની બદતમીજીનો જવાબ આપવો જોઈએ. શશિ થરૂરે પહેલી વખત આવું નથી કર્યું, તેઓ વારંવાર હિન્દુવિરોધી બયાનો આપતા રહ્યા છે. તેમણે કરોડો હિન્દુઓનું અપમાન કર્યું છે.’

કેન્દ્રના અન્ય એક પ્રધાન અને BJPના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે ‘શશિ થરૂરે ટ્વીટ કરવાને બદલે કુંભમેળામાં જઈને ત્રિવેણીસંગમમાં સ્નાન કરવું જોઈએ. જાણ્યે-અજાણ્યે કદાચ તેમનાં પાપો પણ ધોવાઈ જાય. તેઓ મજાક ઉડાવશે એનાથી કોઈ ફેર પડવાનો નથી. તેમણે પણ જાણ્યે-અજાણ્યે ઘણાં પાપો કર્યાં છે.’

જોકે શશિ થરૂરની પોસ્ટ નીચે કમેન્ટ કરતાં એક યુઝરે તેમણે ગંગા નદીમાં સ્નાન કર્યું હતું એ તસવીર શૅર કરીને લખ્યું હતું કે તમે પણ કદાચ ગંગા નદીમાં પાપ ધોવા ગયા હતા! યુઝરે શશી થરૂર તેમનાં પત્ની સુનંદા પુષ્કરનાં અસ્થિ હરિદ્વારમાં ગંગા નદીમાં પધરાવતી તસવીર શૅર કરી હતી. એક યુઝરે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની કુંભસ્નાન કરતી તસવીર શૅર કરી છે. એક યુઝરે ગંગા નદીમાં સ્વર્ગસ્થ વડા પ્રધાન રાજીવ ગાંધીનાં અસ્થિ પધરાવવા રાહુલ પ્રિયંકા અને સોનિયા ગાંધી ગયાં ત્યારનો વિડિયો શૅર કર્યો છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના કુંભસ્નાનની ચર્ચાના માહોલમાં શશી થરૂરે નવો વિવાદ જગાવ્યો છે. પ્રિયંકા ગાંધી કુંભસ્નાન કરીને કૉંગ્રેસનાં મહાસચિવના હોદ્દાનો અખત્યાર સંભાળવાનાં હોવાનું પણ કહેવાય છે. થોડા દિવસ પહેલાં સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ પણ કુંભસ્નાન કરી ચૂક્યા છે.

shashi tharoor yogi adityanath allahabad kumbh mela