મોદીતરફી નિવેદનો કરનારા શશી થરૂરની કૉન્ગ્રેસના પ્રવક્તાપદેથી હકાલપટ્ટી

14 October, 2014 05:32 AM IST  | 

મોદીતરફી નિવેદનો કરનારા શશી થરૂરની કૉન્ગ્રેસના પ્રવક્તાપદેથી હકાલપટ્ટી




 શશી થરૂર વિરુદ્ધ તેમની પાર્ટીમાં વિરોધ ત્યારે શરૂ થયો હતો જ્યારે મોદીની અમેરિકાયાત્રા દરમ્યાન થરૂરે ચર્ચાઓમાં મોદીની પ્રશંસા કરી હતી એથી લાગતું હતું કે થરૂર મોદી સાથે નિકટતા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કૉન્ગ્રેસે આની ગંભીર નોંધ લીધી હતી.

સિનિયર કૉન્ગ્રેસી નેતાઓનું જણાવવું હતું કે જ્યારે મોદીએ થરૂર પર તેમના અંગત જીવનને લઈને પ્રહારો કર્યા હતા ત્યારે પાર્ટીએ તેમનો બચાવ કર્યો હતો, પરંતુ તેઓ પાર્ટીલાઇનની વિરુદ્ધ જઈને વ્યક્તવ્યો આપી રહ્યા છે અને પાર્ટીવિરોધી ગતિવિધિઓમાં સામેલ થઈ રહ્યા છે. કૉન્ગ્રેસને એમ પણ લાગી રહ્યું હતું કે મોદી દ્વારા થરૂરને એક રણનીતિ હેઠળ પસંદ કરવામાં આવ્યા છે.  

આ વિશે થરૂરે સ્પષ્ટીકરણ આપતાં જણાવ્યું હતું કે મોદી વિશે તેમનાં નિવેદનોનો ખોટો અર્થ કરવામાં આવી રહ્યો છે. ક્લીન ઇન્ડિયા સાથે જોડાવાનો અર્થ એ નથી થતો કે તેઓ BJPના હિન્દુત્વવાદી વિચોરોનું સમર્થન કરે છે. થરૂરે પોતાને એક સ્વાભિમાની કૉન્ગ્રેસી ગણાવ્યા હતા, પરંતુ આખરે પાર્ટીએ તેમની સામે શિસ્તભંગનાં પગલાં લઈને તેમને પ્રવક્તાપદેથી હટાવી દીધા હતા.

જવાબ આપવાનો મોકો ન મળ્યો : શશી થરૂર

કૉન્ગ્રેસે શશી થરૂરને પાર્ટીના પ્રવક્તાપદેથી હટાવી દીધા છે એ વિશે પોતાની પ્રતિક્રિયા આપતાં શશી થરૂરે જણાવ્યું હતું કે ‘હું મારા પક્ષના નિર્ણયનો  આદર કરીને એનો સ્વીકાર કરું છું, પરંતુ મને પાર્ટીના કેરળ એકમે મૂકેલા આક્ષેપોનો જવાબ આપવાની તક ન મળી એનો ખેદ છે. હું કૉન્ગ્રેસ પાર્ટી દ્વારા દેશની સેવા કરવા રાજનીતિમાં આવ્યો છું અને સેવા કરતો રહીશ. પાર્ટીએ મને શું જવાબદારી સોંપવી એ પાર્ટીનો અધિકાર છે જેનો હું સ્વીકાર કરું છું.’