28 April, 2025 08:44 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શશી થરૂર
કૉન્ગ્રેસ સંસદસભ્ય શશી થરૂરે પહલગામમાં આતંકવાદી હુમલા પર રવિવારે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘દેખીતી રીતે કોઈ ફૂલપ્રૂફ ગુપ્ત માહિતી નહોતી છતાં ક્યાંક નિષ્ફળતા તો મળી જ છે, પરંતુ આપણી પાસે ઇઝરાયલનું ઉદાહરણ છે જે વિશ્વની શ્રેષ્ઠ ગુપ્તચર સેવાઓમાંની એક માનવામાં આવે છે. આમ છતાં, બે વર્ષ પહેલાં સાતમી ઑક્ટોબરે તેમને આઘાત લાગ્યો. મને લાગે છે કે જેમ ઇઝરાયલ યુદ્ધ પૂરું ન થાય ત્યાં સુધી જવાબદારીની માગણી મુલતવી રાખી રહ્યું છે એવી જ રીતે આપણે પણ પહેલા વર્તમાન કટોકટીને દૂર કરવી જોઈએ અને બાદમાં સરકાર પાસે જવાબદારીની માગણી કરવી જોઈએ. કોઈ પણ દેશ પાસે ૧૦૦ ટકા અચૂક ગુપ્તચર વ્યવસ્થા હોઈ શકતી નથી.’
થરૂરે આ વિશે કહ્યું હતું કે ‘આપણને નથી ખબર કે કેટલા આતંકવાદી હુમલાને સફળતાથી રોકવામાં આવ્યા છે. આપણે ફક્ત એવા હુમલા વિશે જાણીએ છીએ જેને રોકવામાં નિષ્ફળ રહ્યા. આ કોઈ પણ દેશમાં સામાન્ય છે. હું માનું છું કે નિષ્ફળતા થઈ, પરંતુ અત્યારે આપણું ધ્યાન એના પર ન હોવું જોઈએ.’