ઇમર્જન્સી એક કાળો અધ્યાય આ ભારત ૧૯૭૫નું નથી

11 July, 2025 09:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના નેતા શશી થરૂરે કટોકટીની કરી આકરી ટીકા : કહ્યું કે ઇન્દિરા ગાંધીના મોટા પુત્ર સંજય ગાંધીએ બળજબરીથી નસબંધી અભિયાન ચલાવ્યું હતું

શશી થરૂર

કૉન્ગ્રેસના નેતા શશી થરૂરે ૧૯૭૫માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીની આકરી ટીકા કરીને એને ભારતના ઇતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘૧૯૭૫માં લોકોએ જોયું કે સ્વતંત્રતા કેવી રીતે ખતમ થઈ ગઈ છે, પરંતુ આજનું ભારત ૧૯૭૫ કરતાં અલગ છે. કટોકટીને માત્ર ભારતના ઇતિહાસના કાળા પ્રકરણ તરીકે યાદ ન રાખવી જોઈએ, પરંતુ તેના પાઠને પણ સંપૂર્ણ રીતે સમજવા જોઈએ.’

ગુરુવારે એક મલયાલમ દૈનિકમાં કટોકટી પરના એક લેખમાં થરૂરે ૧૯૭૫ની ૨૫ જૂનથી ૧૯૭૭ની ૨૧ માર્ચ દરમ્યાન ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને યાદ કરીને લખ્યું હતું કે શિસ્ત અને વ્યવસ્થા માટે કરવામાં આવેલા પ્રયાસો ઘણી વાર ક્રૂરતાનાં કૃત્યોમાં ફેરવાઈ ગયાં જેને કદી વાજબી ઠેરવી શકાય નહીં.

કૉન્ગ્રેસ પાર્ટીને નહીં ગમે

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરનું આ નિવેદન તેમની પાર્ટી કૉન્ગ્રેસને બહુ ગમશે નહીં. જોકે આવું પહેલી વાર બની રહ્યું નથી. શશી થરૂરે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓની પણ પ્રશંસા કરી છે અને કૉન્ગ્રેસ પાર્ટીની ખફગી વહોરી લીધી છે. ઑપરેશન સિંદૂર પછી અન્ય દેશોની મુલાકાત લેનારા ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ રહેલા શશી થરૂરે વિદેશની ધરતી પર વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી.

બળજબરીથી નસબંધી અભિયાન

લેખમાં શશી થરૂરે લખ્યું હતું કે ‘ઇન્દિરા ગાંધીના મોટા પુત્ર સંજય ગાંધીએ બળજબરીથી નસબંધી અભિયાન ચલાવ્યું હતું. ગરીબ ગ્રામીણ વિસ્તારોમાં મનસ્વી લક્ષ્યોને પૂર્ણ કરવા માટે હિંસા અને બળજબરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નવી દિલ્હી જેવાં શહેરોમાં ઝૂંપડપટ્ટીઓને નિર્દયતાથી તોડી પાડવામાં આવી હતી. હજારો લોકો બેઘર થઈ ગયા હતા અને તેમના કલ્યાણને ધ્યાનમાં લેવામાં આવ્યું નહોતું.’

આજનું ભારત ૧૯૭૫ કરતાં અલગ છે

કૉન્ગ્રેસના સંસદસભ્યે કહ્યું હતું કે ‘લોકશાહીને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ, કારણ કે એ એક કીમતી વારસો છે જેનું સતત સંવર્ધન થવું જોઈએ અને એને સુરક્ષિત રાખવો જોઈએ. લોકશાહીને બધા લોકો માટે પ્રેરણાના કાયમી સ્રોત તરીકે સેવા આપવા દો. આજનું ભારત ૧૯૭૫નું ભારત નથી. આજે આપણે વધુ આત્મવિશ્વાસુ, વધુ વિકસિત અને ઘણી રીતે મજબૂત લોકશાહી છીએ છતાં કટોકટીના પાઠ ચિંતાજનક રીતે સુસંગત રહે છે.’

congress shashi tharoor indira gandhi emergency history national news news political news