કિડનૅપિંગ : શૅરબજારમાંના કડાકાની આ છે સાઇડ ઇફેક્ટ

29 January, 2022 08:15 AM IST  |  Mumbai | Samiullah Khan

બોરીવલીના સ્ટૉક-ટ્રેડરનું અપહરણ કરીને તેની મારઝૂડ થઈ, શૅરબ્રોકરની અરેસ્ટ

પ્રતીકાત્મક તસવીર

૧૧ લાખ રૂપિયા માટે એક સ્ટૉક-ટ્રેડરનું અપહરણ કરીને તેની મારઝૂડ કરી એ બદલ બોરીવલી પોલીસે ગુરુવારે ૨૫ વર્ષના એક શૅરબ્રોકરની ધરપકડ કરી હતી, જ્યારે તેના ત્રણ સાગરીતોની શોધખોળ ચાલી રહી છે. ફરિયાદીને કારણે ભારે ખોટ થઈ હોવાનું જણાવીને આરોપીએ નાણાં વસૂલવા માટે ૧૧ લાખ રૂપિયા તેની પાસે માગ્યા હતા.
પોલીસ-સૂત્રોએ જણાવ્યું કે ‘બોરીવલીમાં રહેતા ફરિયાદી અને તેના બે મિત્રોએ નવેમ્બર ૨૦૨૧માં બાભઈ નાકાના નવકાર પૅરૅડાઇઝમાં રોકાણ-કંપની શરૂ કરી હતી. એ પછી મિત્રએ આરોપી અક્ષત ચુરાના સાથે તેની ઓળખાણ કરાવતાં જણાવ્યું હતું કે તે સારી માર્કેટ-ટિપ્સ આપી શકે છે. ફરિયાદી અને તેના ભાગીદારોએ પછીથી અક્ષત મારફત ૧.૭૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
થોડા દિવસ અગાઉ અક્ષતે ફરિયાદીને ફોન કરીને કહ્યું કે ‘સ્ટૉક માર્કેટમાં તાજેતરમાં ઊથલપાથલ થવાથી મને ભારે ખોટ ગઈ છે અને ટ્રેડિંગ અકાઉન્ટ ચાલુ રાખવા તારે મને ૧૧ લાખ રૂપિયા ચૂકવવા પડશે.’
બોરીવલી પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ‘ફરિયાદી અને તેના ભાગીદારે વધુ નાણાં રોકવાની આનાકાની કરી ત્યારે અક્ષત તેને ધમકી આપવા માંડ્યો અને ગુરુવારે તેણે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એ પછી ત્રણેય ભાગીદારોએ અક્ષત સાથે તેમની ઓળખાણ કરાવનાર પરિચિતને મળવાનું નક્કી કર્યું. સાંજે સવાસાત વાગ્યે તેઓ બોરીવલી-વેસ્ટના સત્યાનગરમાં આવેલી ભગવતી હોટેલ નજીક મળવા પહોંચ્યા હતા અને ત્યાં અક્ષત આવ્યો અને તેણે ફરિયાદી પાસે માગણી કરી અને તેના પર હુમલો પણ કર્યો. ફરિયાદીએ પ્રતિકાર કરતાં અક્ષતના સાગરીતોએ તેને માર માર્યો. ત્યાર બાદ એ ગૅન્ગે જખમી ફરિયાદીને કારમાં નાખ્યો અને પૈસા ન ચૂકવ્યા તો ભાગીદારોને તેને ટૉર્ચર કરવાની ધમકી આપીને કાર હંકારી મૂકી હતી.’
ફરિયાદીએ જણાવ્યું કે ‘મને માલવણીમાં એસબીઆઇ બ્રાન્ચની સામે એક વકીલની ઑફિસે લઈ ગયા અને ગૅન્ગે કોરા સ્ટૅમ્પપેપર પર બળજબરીપૂર્વક મારી સહી લીધી અને ધંધાની તકરારની પતાવટ માટે હું ૧૧ લાખ રૂપિયા ચૂકવીશ એવું લખાણ કરાવ્યું.’
રાતે ૧૦ વાગ્યે અક્ષત ફરિયાદીને બોરીવલીની આઇસી કૉલોનીમાં આવેલા જેએસ ટર્ફ ક્રિકેટ ઍન્ડ ફુટબૉલ ગ્રાઉન્ડ પર લઈ ગયો અને તેને મુક્ત કરવા માટે તેના ભાગીદારો પાસે નાણાંની માગણી કરી.
એ સમયે ભાગીદારોએ ફરિયાદીના પપ્પાને જાણ કરતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ અને ફરિયાદીના પિતાએ ઘટનાસ્થળે પહોંચીને અક્ષતને ઝડપી લીધો હતો, પણ તેના સાગરીતો નાસી છૂટ્યા હતા.
અમે અક્ષત અને અન્ય ત્રણ આરોપીઓ સામે અપહરણ અને મારઝૂડ કરવા બદલ ગુનો દાખલ કર્યો છે એમ બોરીવલી પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. અક્ષતને શુક્રવારે અદાલત સમક્ષ હાજર કરાયો હતો, જ્યાંથી તેને ૩૧ જાન્યુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

mumbai mumbai news bombay stock exchange samiullah khan