પવારની BJPને શપથવિધિ માટે વાનખેડે સ્ટેડિયમની મફતમાં લ્હાણી

30 October, 2014 03:02 AM IST  | 

પવારની BJPને શપથવિધિ માટે વાનખેડે સ્ટેડિયમની મફતમાં લ્હાણી


મંગળવારે BJP લૅજિસ્લેચર પાર્ટીના નેતા તરકે ચૂંટાયેલા ૪૪ વર્ષના દેવેન્દ્ર ફડણવીસ અને તેમના કેટલાક સાથીઓ આવતી કાલે વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારા દબદબાભર્યા ભવ્ય સમારંભમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. આ સ્ટેડિયમમાં પહેલી જ વખત ગવર્નમેન્ટ ફંક્શન યોજાઈ રહ્યું છે.

શપથવિધિ માટે આ મેદાન મફતમાં આપવાના નિર્ણય વિશે MCAના જૉઇન્ટ સેક્રેટરી નીતિન દલાલે જણાવ્યું હતું કે ‘આ ગવર્નમેન્ટનું ફંક્શન હોવાથી અમે કોઈ ફી ચાર્જ કરવાના નથી. રાજ્યના ચીફ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રિયે થોડા દિવસ પહેલાં MCAના CEO સી. એસ. નાઈકનો સંપર્ક કરીને નવી સરકારના શપથવિધિ માટે આ મેદાનનો ઉપયોગ કરવાની છૂટ આપવાની રિક્વેસ્ટ કરી હતી. એ રિક્વેસ્ટ અસોસિએશને માન્ય રાખી.’

૪૧ વિધાનસભ્યો ધરાવતી પવારની પાર્ટી NCPએ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી BJPને બહારથી સપોર્ટ આપવાની ઑફર કરી હતી. ૨૮૮ બેઠકો ધરાવતી વિધાનસભામાં પહેલી વખત ૧૨૨ બેઠકો જીતનારી BJP હવે સરકાર રચવા માટે શપથવિધિ યોજશે.

સામાન્ય રીતે આવા સમારંભો રાજભવનમાં યોજાતા હોય છે, પરંતુ વર્ષ ૧૯૯૫માં મનોહર જોશીના નેતૃત્વ હેઠળની સેના-BJP સરકારે શિવાજી પાર્કમાં શપથ લીધા હતા. આ વખતે વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ રહેલા આ સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કૅબિનેટના કેટલાક સાથીઓ, ગ્થ્ભ્શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ્સ, બૉલીવુડના સેલેબ્રિટીઝ વગેરે અનેક મહાનુભાવો હાજર રહેશે. આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ સજાવેલા મંચ પર તેઓ બિરાજશે. આ કાર્યક્રમ નિહાળવા ૩૦ હજાર જેટલા લોકો એકઠા થાય એવી આશા રખાય છે.