શનિ-શિંગણાપુરની જેમ ઓડિશાના ગામમાં પણ એકેય ઘરમાં દરવાજા કે બારીઓ નથી

13 December, 2012 03:22 AM IST  | 

શનિ-શિંગણાપુરની જેમ ઓડિશાના ગામમાં પણ એકેય ઘરમાં દરવાજા કે બારીઓ નથી

શનિદેવના ધામ તરીકે જાણીતા મહારાષ્ટ્રના શનિ-શિંગણાપુરમાં જેમ એક પણ ઘરમાં દરવાજા નથી એવી જ રીતે ઓડિશાના એક ગામમાં પણ એક પણ ઘરમાં દરવાજા કે બારીઓ નથી. રાજ્યના કેન્દ્રપાડા જિલ્લામાં આવેલા સિયાલિયા નામના ગામના લોકો ખરખઈ ઠકુરાની નામની દેવીમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને તેમનું માનવું છે કે આ દેવી ગામનું રક્ષણ કરતાં હોવાથી ઘરોમાં દરવાજા કે બારીઓ રાખવાની કોઈ જરૂર નથી. રસપ્રદ વાત એ છે કે આ ગામમાં ઘણાં વર્ષોથી ચોરી કે લૂંટનો એક પણ બનાવ બન્યો નથી. સ્થાનિક પોલીસ-ઑફિસર રામચંદ્ર ગૌડે કહ્યું હતું કે ગામમાં ઝઘડો કે મારપીટની ઘટનાઓ નોંધાઈ છે, પણ ક્યારેય ચોરીનો બનાવ નથી નોંધાયો. આ ગામમાં રહેતા અભિરામ રાઉતનું કહેવું છે કે દેવીમાં અમને ભારે વિશ્વાસ છે. તે દરેક પ્રકારના અનિષ્ટથી અમને બચાવે છે. તેમનામાં અમારી શ્રદ્ધાને કારણે જ અમે અમારાં મકાનોમાં ક્યારેય દરવાજા કે બારીઓ રાખતા નથી. રાઉતે જોકે કહ્યું હતું કે પ્રાઇવસી માટે લોકો ઘરના પ્રવેશદ્વાર પર પડદા જરૂર લગાવે છે. રમાકાંત નાયક નામના અન્ય એક ગ્રામજનના જણાવ્યા પ્રમાણે આ ગામના લોકોમાં એવી પણ માન્યતા છે કે જે પણ વ્યક્તિ પોતાના ઘરમાં દરવાજા કે બારી રાખશે તેના પર દેવીનો કોપ ઊતરે છે. નાયકે એવો દાવો કર્યો હતો કે થોડાં વર્ષો પહેલાં એક વ્યક્તિએ તેના ઘરમાં દરવાજો રાખતાં તેનું અકુદરતી રીતે મૃત્યુ થયું હતું. ઘણા લોકો આ માન્યતાને અંધશ્રદ્ધા માને છે.