04 January, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજયદાતા શ્રી સ્વામી સમર્થ મઠ
કરી રોડમાં આવેલા વિજયદાતા શ્રી સ્વામી સમર્થ મઠમાં ગઈ કાલે શાકંભરી પૂર્ણિમા અને શાકંભરી નવરાત્રિનો ઉત્સવ ભક્તિભાવ સાથે પાર પડ્યો હતો. એમાં પાંચ ટન શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટી શ્રી લોકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મઠની સ્થાપના મારા પિતા ગુરુવર્ય શ્રી શ્રી હરિઓમજી વિજયાનંદે બે વર્ષ પહેલાં કરી હતી. પહેલાં અમે હિન્દુ ધર્મના સનાતન ધર્મના બધા જ તહેવારની ઉજવણી ઘરે કરતા હતા, પણ બે વર્ષથી મઠમાં જ કરીએ છીએ. શાકંભરી પૂર્ણિમાએ અન્નપૂર્ણાનું અને એમાં પણ ખાસ કરીને કરીને લીલાં શાકભાજીનું મહત્ત્વ હોય છે. અમે શ્રી સ્વામી સમર્થનો શણગાર શાકભાજીથી કર્યો હતો. ૬૦ પ્રકારનાં શાકભાજી હતાં અને દરેક શાક ઓછામાં ઓછું ૫૦ કિલો હતું. અંદાજે પાંચ ટન શાકભાજીનો એમાં ઉપયોગ થયો હતો. ત્રણ દિવસનો આ ઉત્સવ હતો અને ગઈ કાલે એનો છેલ્લો દિવસ હતો. રાતે ૮.૩૦ વાગ્યે આરતી થયા બાદ બધાં શાકભાજી ભક્તોને પ્રસાદ તરીકે વહેંચી દેવામાં આવ્યાં હતાં. શાકભાજીની સજાવટ માટે ૩૦ યુવકોએ ૩ દિવસ સખત મહેનત કરી હતી. ફક્ત મૂર્તિ જ નહીં આખો મઠ, મઠની દીવાલો શાકભાજીથી સજાવવામાં આવ્યાં હતાં.’