દીકરાની તાજપોશીમાં શાહી ઇમામે નરેન્દ્ર મોદીને નહીં, નવાઝ શરીફને નોતર્યા

31 October, 2014 03:34 AM IST  | 

દીકરાની તાજપોશીમાં શાહી ઇમામે નરેન્દ્ર મોદીને નહીં, નવાઝ શરીફને નોતર્યા




દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ વધુ એક વિવાદ સરજ્યો છે. બુખારીએ તેમના દીકરાની નાયબ શાહી ઇમામ તરીકેની તાજપોશીના સમારંભમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ અને ભારતના બીજા રાજકારણીઓને આમંત્રણ આપ્યું છે, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નથી બોલાવ્યા.

બુખારીનો ૧૯ વર્ષની વયનો દીકરો શાબાન એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં સોશ્યલ વર્કની બૅચલર્સ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. તેની તાજપોશીનો સમારંભ બાવીસ નવેમ્બરે ઐતિહાસિક જામા મસ્જિદમાં યોજાવાનો છે. દેશ ઉપરાંત વિદેશમાં વસતા મોખરાના ધાર્મિક નેતાઓ આ સમારંભમાં હાજરી આપશે એવું માનવામાં આવે છે.

બુખારીએ કહ્યું હતું કે ‘મેં અનેક ભારતીય તથા વિદેશી રાજકીય નેતાઓને નોતરું આપ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાનને આમંત્રણ આપ્યું છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મેં આમંત્રણ નથી આપ્યું, કારણ કે ગુજરાતનાં કોમી હુલ્લડો માટે મુસ્લિમોએ મોદીને હજી સુધી માફ નથી કર્યા.’

જેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજનાથ સિંહ, ડૉ. હર્ષવર્ધન, સૈયદ શાહનવાઝ હુસેન તથા વિજય ગોયલ, પશ્ચિમ બંગનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને કૉન્ગ્રેસનાં નેતા સોનિયા તથા રાહુલ ગાંધીનો સમાવેશ છે.

મોદીને આમંત્રણ નહીં આપવાના પોતાના નિર્ણયનો બચાવ કરતાં બુખારીએ કહ્યું હતું કે ‘આ અંગત લડાઈ નથી. મોદીને મુસ્લિમો નથી ગમતા અને અમને મોદી નથી ગમતા. મોદીએ મુસ્લિમો સુધી પહોંચવાનો પ્રયાસ ક્યારેય નથી કર્યો અને મુસ્લિમોને હંમેશાં છેટા જ રાખ્યા છે.’

ઇમામ બુખારીના નિવેદન બાબતે આકરો પ્રતિભાવ આપતાં ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું હતું કે ‘આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. બુખારી તેમની પોતાની બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે. ભારતીય મુસ્લિમો ભારતમાં જન્મ્યા છે અને ભારતને પ્રેમ કરે છે.’