રાજ્યસભા સ્થગિત લોકપાલ અધ્ધરતાલ, આંદોલન સફળ ન થયું ટીમ અણ્ણાનો એકરાર

30 December, 2011 03:05 AM IST  | 

રાજ્યસભા સ્થગિત લોકપાલ અધ્ધરતાલ, આંદોલન સફળ ન થયું ટીમ અણ્ણાનો એકરાર



લોકપાલના મુદ્દે અણ્ણા હઝારેએ શરૂ કરેલા ઉપવાસ અધૂરા છોડ્યા એ પછી બીજા દિવસે એટલે કે ગઈ કાલે ટીમ અણ્ણાએ સ્વીકાર્યું હતું કે તેમના ઉપવાસ સરકાર પર દબાણ ઊભું કરવામાં નિષ્ફળ સાબિત થયા હતા અને સાવ નકામું બિલ પસાર કરવાનો કોઈ મુદ્દો નથી. ટીમ અણ્ણાના સભ્ય પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે ‘આ ઉપવાસનો હેતુ સરકાર પર દબાણ કરવાનો હતો, પણ પહેલા જ દિવસે સરકારે નકામું લોકપાલ બિલ લોકસભામાં પસાર કરી દેતાં હવે આ આંદોલનનો કોઈ હેતુ સરતો નહોતો. વળી અણ્ણાની તબિયત પણ ખરાબ હતી એટલે અમે આંદોલન અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો.’

અણ્ણા રાળેગણ સિદ્ધિ પહોંચ્યા

જનલોકપાલ બિલ પસાર કરાવવા માટે બીકેસી (બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ)ના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં ઉપવાસ પર ઊતરેલા સમાજસેવક અણ્ણા હઝારેની તબિયત બુધવારે લથડી ગઈ હતી અને તેમને લોકોનો મોળો પ્રતિસાદ મળ્યો હતો. ત્રણ દિવસના ઉપવાસનો બીજા દિવસે જ અણધાર્યો અંત આવતાં ગઈ કાલે સવારે અણ્ણા તેમના ગામ રાળેગણ સિદ્ધિ જવા રવાના થયા હતા. ૨૮ ડિસેમ્બરે અણ્ણા હઝારેએ બાળકીના હાથે લીંબુ-શરબત પીધા બાદ પારણાં કયાર઼્ હતાં. બાંદરામાં આવેલા મહારાષ્ટ્ર સરકારના ગેસ્ટહાઉસમાં રાત વિતાવ્યા બાદ ગઈ કાલે સવારે અણ્ણા વતનમાં પાછા ફર્યા હતા એવું તેમના સાથીદાર દત્તા અવારીએ કહ્યું હતું. દત્તા અવારીએ કહ્યું હતું કે ૭૪ વર્ષના સામાજિક કાર્યકર અણ્ણા હઝારેને ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી. અણ્ણા ગામમાં પહોંચ્યા બાદ ગામવાસીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

સોમવારે કોર કમિટી અણ્ણાને મળશે

અણ્ણા હઝારેની બનેલી કોર કમિટી ૨ અને ૩ જાન્યુઆરીએ અણ્ણાને તેમના વતન રાળેગણ સિદ્ધિ મળશે. રાળેગણ સિદ્ધિમાં આગામી પગલાં શું લેવા એની તમામ તૈયારીઓની ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને એ પછી યોજના બનાવવામાં આવશે.