અદાર પૂનાવાલાને ‘એશિયન ઓફ ધ યર’નું સન્માન

05 December, 2020 09:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અદાર પૂનાવાલાને ‘એશિયન ઓફ ધ યર’નું સન્માન

ફાઈલ ફોટો

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાને હાલમાં જ ‘એશિયન ઓફ ધ યર' તરીકે ચૂંટવામાં આવ્યા છે.

સિંગાપુરના દૈનિક ‘ધ સ્ટ્રેટ્સ ટાઇમ્સ’એ અદાર પૂનાવાલા સહિત છ લોકોનું નામ ‘એશિયન ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ સન્માનમાં આ વર્ષે કોવિડ -19 સામે લડવામાં ફાળો આપનારાઓની પસંદગી કરવામાં આવી છે.

પુણેમાં આવેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે મળીને કોવિડ -19 રસી ‘કોવિશિલ્ડ’ વિકસાવવા માટે કામ કરી રહી છે અને ભારતમાં રસીના ટ્રાયલ પણ હાલમાં ચાલી રહ્યા છે.

આ લિસ્ટમાં અન્ય પાંચ લોકો પણ છે. જેમાં ચીનના સંશોધનકર્તા ઝાંગ યોંગઝેન છે કે જેણે મહામારીના જવાબદાર સાર્સ-સીઓવી-૨ના પ્રથમ જીનોમ તપાસ ટીમનું નેતૃત્વ કર્યું હતું, પછી ચીનના મેજર જનરલ ચેન વઈ, જાપાનના ડોક્ટર યુઈચી મોરિશિતા અને સિંગાપોરના પ્રોફેસર આઇ ઇંગ આંગનો સમાવેશ થાય છે. આ બધા લોકો એવા છે કે જે વાયરસ સામે રસી બનાવવા માટે આગળ આવ્યા છે. આ યાદીમાં દક્ષિણ કોરિયાના ઉદ્યોગપતિ સીઓ જંગ-જિનનું નામ પણ છે. તેમની કંપની પણ રસી તૈયાર કરવા અને ઉપલબ્ધ કરાવવાનું કામ કરશે.

‘ધ સ્ટ્રેટ્સ ટાઇમ્સ’ના જણાવ્યા અનુસાર આ બધા લોકોને’ ધ વાયરસ બસ્ટર્સ’નું વિશેષણ આપવામાં આવ્યું છે, જે પોતાની ક્ષમતા પ્રમાણે કોરોના વાયરસની મહામારી ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 1966માં અદાર પૂનાવાલાના પિતા સાયરસ પૂનાવાલાએ કરી હતી. 39 વર્ષીય અદારે 2011માં સંસ્થાની કમાન સંભાળી હતી. પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા ગરીબ દેશોમાં રસી પહોંચાડવા માટે મદદ કરી રહી છે.

national news coronavirus covid19