સમાજવાદી પાર્ટીએ બીજેપીને ગિફ્ટમાં તાળું મોકલાવ્યું

12 January, 2022 09:24 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના શ્રમ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યે કૅબિનેટ અને બીજેપીમાંથી રાજીનામું આપ્યું હતું, જેના પગલે બીજેપીના અન્ય ત્રણ ધારાસભ્યોએ પણ પાર્ટી છોડી

સ્વામી પ્રસાદ મૌર્યે સોશ્યલ મીડિયા પર તેમનો રાજીનામા-પત્ર મૂક્યાને થોડી મિનિટ પછી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તેમની સાથેનો એક ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

બીજેપીના કેટલાક નેતાઓએ ગઈ કાલે રાજીનામાં આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના સ્પોક્સપર્સન આઇપી સિંહે લખનઉમાં બીજેપી મુખ્યાલયમાં ગિફ્ટ તરીકે તાળું મોકલાવ્યું હતું.
આઇપી સિંહે લખ્યું હતું કે ‘મેં બીજેપીના મુખ્યાલયને એક તાળું ભેટ આપ્યું છે. ૧૦ માર્ચે (મતગણતરીનો દિવસ) આ તાળું મારીને ઘરે જતા રહેજો. લહેર નહીં, સમાજવાદી પાર્ટીનું તોફાન આગળ વધી રહ્યું છે.’
વાસ્તવમાં ઉત્તર પ્રદેશના શ્રમ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યે ગઈ કાલે કૅબિનેટ અને બીજેપીમાંથી રાજીનામું આપ્યું એને પગલે આ રાજ્યમાં બીજેપીના અન્ય ત્રણ ધારાસભ્યોએ પણ પાર્ટી છોડી દીધી હતી, જેમાં તિલહરના ધારાસભ્ય રોશન લાલ વર્મા, બિલહૌરના ધારાસભ્ય ભગવતી પ્રસાદ સાગર અને તિંદવારીના ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિ સામેલ છે. 
સ્વામી પ્રસાદ મૌર્યની જેમ રોશન લાલ વર્માએ પણ ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. 
આ ઘટનાક્રમ બાદ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ૧૩ ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાશે. ઉત્તર પ્રદેશમાં અમે સમાજવાદી પાર્ટી અને અન્ય નાની પાર્ટીઓ સાથે ચૂંટણી લડીશું.’

national news samajwadi party bharatiya janata party