આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચૅલેન્જ જાહેર

05 July, 2020 12:54 PM IST  |  Mumbai | Agencies

આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચૅલેન્જ જાહેર

નરેન્દ્ર મોદી

ચીનની નાપાક હરકતોનો જવાબ આપવા માટે ભારત સરકારે ફક્ત ૫૯ ચીની ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ હવે આ મામલે ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની પણ યોજના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કર્યું હતું કે તેઓ આત્મનિર્ભર ભારત ઍપ્લિકેશન ઇનોવેશન ચૅલેન્જ શરૂ કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીએ લખ્યું, આજે ‘મેડ ઇન ઇન્ડિયા’ ઍપ્સ બનાવવા માટે ટેક અને સ્ટાર્ટ-અપ સમુદાયમાં ભારે ઉત્સાહ છે. આ માટે @GoI_MeitY અને @AIMtoInnovate મળીને ઇનોવેશન ચૅલેન્જ શરૂ કરી રહ્યા છે.’
પીએમ મોદીએ કહ્યું કે જો તમારી પાસે કોઈ એવી પ્રોડક્ટ છે અથવા પછી તમને લાગે છે કે કંઈક સારું કરવાનો દૃષ્ટિકોણ અને ક્ષમતા છે તો ટેક કમ્યુનિટી સાથે જોડાઈ જાવ. વડા પ્રધાન મોદીએ લિંક્ડઇન પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
ભારત સરકારે ચીનની એવી ઘણી ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જે ભારતમાં ખૂબ પ્રખ્યાત થઈ છે અને મોટી કમાણી કરી રહી હતી. સરહદ પર ચીનનું ઘમંડ જોયા પછી સરકારે આ પગલું ભર્યું હતું અને આ ઍપ્સમાં ખામીઓ મળી આવી હતી. ભારતના નિર્ણય પછી ચીન બોખલાઈ ગયું. ભારત દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી ચીની ઍપ્લિકેશનોમાં ટિકટૉક અને યુસી બ્રાઉઝર સામેલ છે, જે ભારતમાં ખૂબ લોકપ્રિય છે.

વિશ્વ સામે રહેલા વર્તમાન પડકારોનો ઉકેલ બુદ્ધના આદર્શોમાં છે : મોદી

સાંસ્કૃતિક મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘના અનુક્રમે ધર્મચક્ર દિવસની ઉજવણી કરવામાં આવી. અષાઢ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધે પોતાના પ્રથમ પાંચ શિષ્યોને ઉપદેશ આપ્યો હતો. આ દિવસે સમગ્ર દુનિયામાં બૌદ્ધ ધર્માનુયાયીઓ ધર્મચક્ર પ્રવર્તન દિવસ તરીકે ઊજવે છે. હિન્દુ ધર્મમાં પણ આજનો દિવસ ગુરુ પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો હોય છે જેથી તેને ગુરુ પૂર્ણિમા તરીકે ઊજવવામાં આવે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સવારે ૯ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમં ધર્મચક્ર દિવસનું ઉદ્ઘાટન કર્યું, જે બાદ વડા પ્રધાન મોદીએ વિડિયો સંદેશ દ્વારા આ સમ્મેલન અને દેશવાસીઓને સંબોધિત કરતાં કહ્યું કે બૌદ્ધ ધર્મ લોકોને પ્રત્યેક વ્યક્તિ અને પ્રકૃતિની દરેક વસ્તુ પ્રત્યે આદરભાવ શીખવે છે. લોકો માટે આદર, ગરીબો માટે આદર, મહિલાઓ માટે આદર, શાંતિ અને અહિંસા પ્રત્યે આદર આ કારણે જ બુદ્ધ દ્વારા આપવામાં આવેલ ઉપદેશ આજે પણ પ્રાસંગિક છે.

national news narendra modi