16 August, 2026 02:38 PM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
ઓમર અબ્દુલ્લા
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ ઐતિહાસિક બક્ષી સ્ટેડિયમમાં તિરંગો ફરકાવ્યા બાદ આપેલા ભાષણમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)ની હાલત પર ચિંતા વ્યક્ત કરીને ભારત સાથે રહેવાના જમ્મુ અને કાશ્મીરના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
આ મુદ્દે ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે આજે PoKમાં જે ભયાનક પરિસ્થિતિ છે એનાથી સાબિત થઈ ગયું છે કે આપણા પૂર્વજોનો ૧૯૪૭માં ભારત સાથે રહેવાનો નિર્ણય એકદમ સાચો હતો. જો ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરની બંધારણીય સ્થિતિ (કલમ ૩૭૦)માં ફેરફાર ન થયો હોત તો આજે PoKના લોકો પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હોત અને ભારતમાં જોડાવા માટે રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા હોત. લાઇન ઑફ કન્ટ્રોલ (LoC)ની પેલે પારનો વિસ્તાર હજુ પણ જમ્મુ અને કાશ્મીરનો ભાગ છે. એ ભાગ આપણો છે; આપણે ત્યાંના લોકોને અજાણ્યા નહીં પણ પોતાના માનીએ છીએ. આજે પણ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં તેમના માટે બેઠકો અનામત રાખવામાં આવી છે, આશા રાખીએ છીએ કે એક દિવસ ત્યાં રહેતા લોકો આ ખાલી બેઠકોનો ઉપયોગ કરી શકશે.’