ગુમ થયેલા વિમાનને ભારતના એક ટાપુ તરફ લઈ જવાયું હોવાની શક્યતા

15 March, 2014 03:50 AM IST  | 

ગુમ થયેલા વિમાનને ભારતના એક ટાપુ તરફ લઈ જવાયું હોવાની શક્યતા



છેલ્લા સાત દિવસથી ગુમ થયેલા મલેશિયા ઍરલાઇન્સના વિમાનની શોધને હિન્દ મહાસાગરની દિશામાં વધુ ને વધુ તીવ્ર કરવામાં આવી છે. વળી ઍર-ટ્રાફિક કન્ટ્રોલ સાથે સંપર્ક ગુમાવ્યા બાદ પણ ચાર કલાક સુધી એ સિગ્નલ આપતું હતું. કોઈએ જાણી જોઈને આવું કૃત્ય કર્યું હોવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. રિપોર્ટ મુજબ કોઈ પાઇલટ અથવા તો એવો અનુભવ ધરાવતી વ્યક્તિ પ્લેનનું અપહરણ કરવા માગતી હોય અને બાદમાં જાણી જોઈને પ્લેનને દરિયામાં સમાધિ લેવડાવી દીધી હોય એવું પણ બને, એથી જ પાઇલટ અથવા તો અપહરણકારે તમામ કમ્યુનિકેશન બંધ કરી દીધાં હશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે ત્યારે ગુમ થયેલા મલેશિયન પ્લેનને મલય ટાપુઓ પરથી ઉડાવીને હિન્દ મહાસાગરમાં આવેલા આંદામાન ટાપુઓ તરફ લઈ જવામાં આવ્યું હોવાની શક્યતા શુક્રવારે આ કેસ સાથે સંકળાયેલા એક અધિકારીએ વ્યક્ત કરી હતી.

ગુમ થયેલા વિમાનની તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ ગઈ કાલે પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘મિલિટરી રડારના ડેટા અનુસાર ગુમ થયેલા પ્લેનને મલય ટાપુઓ પરથી ઉડાવીને આંદામાન તરફ લઈ જવામાં આવ્યું હોવું જોઈએ, કારણ કે મિલિટરી રડાર પર આ પ્લેન છેલ્લે જ્યારે જોવા મળ્યું ત્યારે એ મલેશિયાની ઉત્તર-પશ્ચિમ તરફ એટલે કે ભારતના આંદામાન ટાપુઓ તરફ જતું જણાયું હતું અને જે રૂટ પરથી પ્લેન પસાર થયું હતું એ રૂટ વારંવાર ઉપયોગમાં લેવામાં આવતો હવાઈ માર્ગ છે એટલે ગુમ થયેલા પ્લેનને ઉડાવનાર વ્યક્તિએ ફલાઇંગની પ્રૉપર ટ્રેઇનિંગ લીધી હોય અને એને આ હવાઈ રૂટ વિશે પૂરતી માહિતી હોઈ શકે છે અને એટલે જ પૂરતું નૉલેજ ધરાવતી વ્યક્તિએ જ આંદામાન તરફ ફ્લાઇટને જાણી જોઈને ડાઇવર્ટ કરી હોવી જોઈએ એવી શંકા છે.’

જોકે એવિયેશનના ઇતિહાસમાં આ પ્લેન સૌથી મોટા કોયડાસમાન બની ગયું છે. ભારતીય જહાજ તથા પ્લેન પણ મલેશિયાના નૉર્થ-વેસ્ટ તથા ઈસ્ટર્ન આંદામાન નજીક એને શોધવાના કામમાં લાગ્યાં છે. મલેશિયા દ્વારા ભારત તથા અન્ય પાડોશી દેશો પાસેથી રડારના ડેટા મગાવ્યા છે. જોકે ક્યાંયથી પણ આ વિમાન વિશેની માહિતી મળતી નથી. દરમ્યાન મલેશિયાની સરકારે કરેલી વિનંતીને કારણે ભારતે આંદામાનથી બંગાળની ખાડી તથા ચેન્નઈના દરિયાકિનારા સુધી તપાસ શરૂ કરી છે. કુલ ૯૦૦૦ સ્ક્વેર કિલોમીટરમાં આ તપાસ કરવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમાં આવેલા ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાંથી જહાજ તથા વિમાનોને આ કામગીરી સોંપવામાં આવી છે. ભારતનાં છ યુદ્ધજહાજો તથા પ વિમાનો આ કામગીરીમાં રોકાયાં છે.

NASAની સહાય

૨૩૯ મુસાફરો સાથે ગુમ થયેલા મલેશિયન ઍરલાઇન્સના વિમાનની શોધખોળ માટે NASA પણ જોડાયું છે. NASA સામાન્ય રીતે ઘણી માહિતી અમેરિકાની જિયોલૉજિકલ સર્વિસ અર્થ રિસોર્સિસ ઑબ્ઝર્વેશન ઍન્ડ સાયન્સ હેઝાર્ડ ડેટા ડિસ્ટિÿબ્યુશન સિસ્ટમને મોકલતી હોય છે. જો મુશ્કેલીના સમયે આ ડેટાને અન્ય જરૂરિયાત હોય એને પાસ કરતી હોય છે. ૭ માર્ચે આ વિમાન ઍરર્પોટ પરથી ટેક-ઑફ થયાની ૩૦ મિનિટ બાદ રડાર-સ્ક્રીન પરથી ગાયબ થયું હતું. ૧૩ દેશોના સર્ચ ઑપરેશન છતાં પણ એનો હજી સુધી પત્તો લાગી શક્યો નથી.