ઍરપોર્ટ પર સ્ક્રીનિંગમાં બેદરકારીની શક્યતા નથી : સ્વાસ્થ્ય પ્રધાન

13 March, 2020 09:30 AM IST  |  New Delhi

ઍરપોર્ટ પર સ્ક્રીનિંગમાં બેદરકારીની શક્યતા નથી : સ્વાસ્થ્ય પ્રધાન

સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન

સંસદના બજેટ સત્રનું બીજું ચરણ સોમવારથી શરૂ થયું છે. લોકસભામાં સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું કે સ્ક્રીનિંગમાં બેદરકારીની કોઈ શક્યતા જ નથી. ૩૦ ઍરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક રાજ્યમાંથી રોજ હેલ્થ રિપોર્ટ મગાવાઈ રહ્યા છે અને એની તપાસ કરવામાં આવી રહી છે. ઈરાનમાં પણ લૅબ બનાવવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે દેશમાં લોકોને સંકટમાં ન નાખી શકીએ એટલે કોરોનાને લઈને જાગૃતતા લાવવામાં મદદ કરો. ૫૧ લૅબમાં કોરોનાને લઈને ટેસ્ટ ચાલી રહ્યાં છે. ઇટલીમાં ફસાયેલા વિદ્યાર્થીઓનાં સૅમ્પલ લાવવામાં આવી રહ્યાં છે.

લોકસભામાં કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધને કહ્યું કે ઍરપોર્ટ પર બહારથી આવેલા યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. કેટલાક લોકોને એ જ સમયે અલગ કરીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જે લોકો પર શંકા હોય છે તેમનો તમામ ડેટા દિલ્હી મોકલી દેવામાં આવે છે અને દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવે છે.

સરકારે કહ્યું કે કોરોના વાઇરસના કારણે ફેલાયેલા ડર વચ્ચે ઍરપોર્ટ પર આવનારા વિદેશી યાત્રીઓના આંકડામાં ઘટાડો નોંધાયો છે. કોરોના વાઇરસના કારણે આ આંકડો ૭૦,૦૦૦ પરથી ૬૨,૦૦૦ પર પહોંચી ગયો છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે લોકસભામાં કહ્યું કે કોરોના વાઇરસને જોતાં વિદેશોથી જલદી જ ભારતીયોને પાછા લાવવામાં આવશે. તેમણે કહ્યું કે મેડિકલ ટીમને વિદેશ મોકલવામાં આવશે. ઈરાનમાં તમામ ભારતીયો સુરક્ષિત છે. ઈરાનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે તેમના પરિવારજનોએ મુલાકાત કરી. વિદેશમાં રહેનારા ભારતીય એમ્બેસીનો સંપર્ક કરે.

national news coronavirus