કાર-બાઇક પર ચૂકવવો પડશે એન્વાયર્નમેન્ટ ચાર્જ?

27 November, 2012 06:15 AM IST  | 

કાર-બાઇક પર ચૂકવવો પડશે એન્વાયર્નમેન્ટ ચાર્જ?



સુપ્રીમ કોર્ટે અત્યારનાં તમામ પ્રાઇવેટ વાહનો અને નવી ડીઝલ કારના માલિકો પાસેથી એન્વાયર્નમેન્ટ કૉમ્પેન્સેશન ચાર્જ વસૂલવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરતાં આ મુદ્દે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે. સિનિયર વકીલ હરીશ સાલ્વેએ વાહનોને કારણે પર્યાવરણને થતા નુકસાનની ભરપાઈ માટે આ ચાર્જ વસૂલવાની માગણી કરી છે. તેમણે જોકે દિલ્હી પૂરતી આ માગણી કરી છે, પણ જો તેમની ડિમાન્ડ સ્વીકારવામાં આવશે તો દેશનાં અન્ય શહેરોમાં પણ આવો ચાર્જ વસૂલવાની માગણી થઈ શકે છે.

પ્રદૂષણને લગતા અન્ય એક કેસમાં સુપ્રીમ કોર્ટને મદદ કરી રહેલા વકીલ હરીશ સાલ્વેએ તેમની અરજીમાં દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કોર્ટની દરમ્યાનગીરીની માગણી કરી છે. અરજીમાં તેમણે નવી તમામ ડીઝલ કારો પર કુલ કિંમતના ૨૫ ટકા એન્વાયર્નમેન્ટ ચાર્જ વસૂલવાની ભલામણ કરી છે. આ ઉપરાંત તેમણે હાલની તમામ પેટ્રોલ કારો પર કુલ કિંમતના બે ટકા અને તમામ ડીઝલ કારો પર કિંમતના ચાર ટકા ચાર્જ વસૂલવાનું સૂચન કર્યું છે. અરજીમાં સાલ્વેએ કહ્યું હતું કે દિલ્હીમાં ખાસ કરીને શિયાળાના પ્રારંભમાં હવાના પ્રદૂષણનું પ્રમાણ જોખમી હદે વધી જાય છે. દિલ્હીમાં દરરોજ સરેરાશ ૧૪૦૦ નવાં વાહનો રસ્તા પર ઊતરતાં હોય છે અને હવાના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે હવે ઇમરજન્સી લેવલે પગલાં ભરવાની જરૂર છે.