એસબીઆઇ બનશે સંકટમોચક: યશ બૅન્કમાં ૨૪૫૦ કરોડનું રોકાણ કરશે

08 March, 2020 06:04 PM IST  |  Mumbai Desk

એસબીઆઇ બનશે સંકટમોચક: યશ બૅન્કમાં ૨૪૫૦ કરોડનું રોકાણ કરશે

એટીએમમાંથી નાણાં ઉપાડવા માટે દિલ્હીમાં યસ બેન્કની બહાર લાગેલી લાઇનો.

ખાનગી ક્ષેત્રની યસ બૅન્ક આર્થિક સંકટમાં સપડાતાં ખાતાધારકોમાં હાહાકાર મચી ગયો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ યસ બૅન્ક પર એક મહિનાનાં નિયંત્રણો લાદી દીધાં છે તેમ જ બૅન્કમાંથી રોકડ ઉપાડ મર્યાદિત કરી દીધું છે. જોકે આ તમામ ચિંતા વચ્ચે બૅન્કના ખાતાધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને યસ બૅન્કને ઉગારવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે એસબીઆઇએ એક યોજના બનાવી છે જે અંતર્ગત તે યસ બૅન્કનો ૪૯ ટકા હિસ્સો ખરીદશે. રજનીશ કુમારે કહ્યું કે હાલ યસ બૅન્કને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. હાલ તેમાં રૂપિયા ૨૪૫૦ કરોડનું રોકાણ કરવાની એસબીઆઇએ યોજના બનાવી છે. એસબીઆઇના ચૅરમૅન રજનીશ કુમારે પણ જણાવ્યું છે કે હાલમાં યસ બૅન્કના ખાતાધારકોના નાણાં સુરક્ષિત છે અને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી.

પ્રવર્તમાન સમયે બૅન્કના ખાતાધારકોને મહિને ફક્ત ૫૦ હજાર રૂપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવી છે. આરબીઆઇ દ્વારા મોરેટોરિયમ પીરિયડ લાગુ કરાયો હોવાથી ખાતાધારકો માટે આ સમસ્યા કામચલાઉ છે તેમ એસબીઆઇ ચૅરમૅને જણાવ્યું હતું. નાણાં ઉપાડવા માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા છે તેને લઈને તેમણે કહ્યું કે આનાથી લોકોને મુશ્કેલી જરૂર પડે છે પરંતુ કોઈએ ગભરાવાની જરૂર નથી.

યસ બૅન્ક સંકટ પર કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે યસ બૅન્કના ગ્રાહકોને વિશ્વાસ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમે ખાતાધારકોના પૈસા ડૂબવા નહીં દઈએ. ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. ગ્રાહકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રિઝર્વ બૅન્કના અધિકારીઓ સમાધાન કાઢવા માટે મહેનત કરી રહ્યા છે. આરબીઆઇએ પ્રાઇવેટ ક્ષેત્રની યસ બૅન્ક પર એક મહિનાની અંદર ૫૦ હજાર રૂપિયા ઉપાડવાની લિમિટ લગાવતા તેના ગ્રાહકોમાં દોડધામ મચી ગઈ હતી.

ભૂતપૂર્વ ચૅરમૅન રાણા કપૂરના નિવાસસ્થાને દરોડા: ઇડીએ પૂછપરછ કરી

સંકટમાં મુકાયેલી યસ બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન અને સ્થાપક રાણા કપૂરના નિવાસસ્થાન પર ગઈ કાલે રાતે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ આજે પૂછપરછ માટે રાણા કપૂરને ઈડીની ઑફિસમાં લાવવામાં આવ્યા છે જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીએ રાણા કપૂર સામે મની લૉન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. આ પહેલાં રાણાની તેમના ઘરે પણ પૂછપરછ કરવામાં આવી હતી.

national news state bank of india