ભૂકંપનું રિપોર્ટિંગ કરવા નેપાલ ગયેલા ડૉક્ટરે ટીનેજર પર કરી બ્રેઇન-સર્જરી

29 April, 2015 03:33 AM IST  | 

ભૂકંપનું રિપોર્ટિંગ કરવા નેપાલ ગયેલા ડૉક્ટરે ટીનેજર પર કરી બ્રેઇન-સર્જરી




અમેરિકન ટેલિવિઝન ચૅનલ CNN માટે ધરતીકંપનું રિપોર્ટિંગ કરવા ગયેલા ડૉ. સંજય ગુપ્તાએ નેપાલમાં એક ટીનેજર પર બ્રેઇન-સર્જરી કરીને માનવતાનો પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો હતો.

ન્યુરોસર્જ્યન સંજય ગુપ્તા શનિવારના ભીષણ ભૂકંપનું રિપોર્ટિંગ કરવા ગયા હતા ત્યારે તેમણે ૧૫ વર્ષની વયની એક છોકરીની બ્રેઇન-સર્જરી કરી હતી. નેપાલના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સંધ્યા નામની એ ટીનેજર પર ઘરની દીવાલ પડી હતી, પણ ભૂકંપના બે દિવસ બાદ સંધ્યા કાઠમાંડુની બિર હૉસ્પિટલમાં પહોંચી શકી હતી.

સંધ્યાના મસ્તકમાં લોહી જમા થઈ ગયું હતું. એથી તેના પર બ્રેઇન-સર્જરી કરવી જરૂરી હતી. એ વખતે ડૉ. ગુપ્તા હૉસ્પિટલમાં હતા અને હૉસ્પિટલના અન્ય તબીબોએ ડૉ. ગુપ્તાને સર્જરીની વિનંતી કરી હતી. હૉસ્પિટલને મદદની બહુ જ જરૂર હતી એટલે ડૉ. ગુપ્તાએ આ કામ પાર પાડ્યું હતું.  આ વિશે ડૉ. ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘સર્જરી દરમ્યાન મારે બેઝિક ઇક્વિપમેન્ટ્સથી કામ ચલાવવું પડ્યું હતું. ઇલેક્ટ્રિક ડ્રિલ, સ્ટરાઇલ પાણી અને આયોડિનના ઉપયોગ વડે મેં કામ પાર પાડ્યું હતું. ઑપરેશન પછી સંધ્યાની તબિયત તો સારી છે, પણ નેપાલની પરિસ્થિતિ મહદંશે બહુ સારી નથી.’

સંધ્યાની સર્જરી બાદ ૮ વર્ષની એક અન્ય બાળકીનું પણ આવું ઑપરેશન કરવામાં આવ્યું હતું.

CNNમાં ચીફ હેલ્થ રિપોર્ટર તરીકે કામ કરતા ડૉ. ગુપ્તા અમેરિકાના ઍટલાન્ટાની એમોરી હેલ્થકૅરમાં ન્યુરોસર્જ્યન તરીકે પણ ફરજ બજાવે છે. ત્રણ બાળકોના પિતા ડૉ. સંજય ગુપ્તાએ રિપોર્ટિંગના કામ વખતે સર્જરી કરી હોય એવો આ પહેલો પ્રસંગ નહોતો. ૨૦૦૩માં ઇરાકમાં રિપોર્ટિંગ કરતી વખતે તેમણે ઇરાકી નાગરિકો અને અમેરિકન સૈનિકોની ઇમર્જન્સી સર્જરી કરી આપી હતી. એ પછી ૨૦૧૦માં હૈતીમાં ધરતીકંપ થયો ત્યારે ડૉ. ગુપ્તાએ અન્ય તબીબો સાથે મળીને ૧૨ વર્ષની એક કન્યાના મસ્તકમાંથી કૉન્ક્રીટનો ટુકડો બહાર કાઢ્યો હતો.