સૅમસંગના નવા ગૅલૅક્સી Note 7માં પણ પ્રૉબ્લેમ?

07 October, 2016 06:42 AM IST  | 

સૅમસંગના નવા ગૅલૅક્સી Note 7માં પણ પ્રૉબ્લેમ?


અમેરિકાના કેન્ટકી સ્ટેટના લુઈવિલ શહેરમાં સાઉથવેસ્ટ ઍરલાઇન્સનું વિમાન ટેક-ઑફની તૈયારી કરતું હતું ત્યારે અચાનક એને ખાલી કરાવવામાં આવ્યું હતું. એક પૅસેન્જરના સૅમસંગના સ્માર્ટફોનની અતિશય ગરમ થઈ ગયેલી બૅટરીમાંથી ધુમાડા નીકળવા માંડતાં વિમાન ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બૅટરીઓ અતિશય ગરમ થવાની સમસ્યાને કારણે ગયા મહિને સૅમસંગનો ગૅલૅક્સી Note7 ફોન બજારમાંથી પાછો ખેંચવામાં આવ્યો હતો. એવી ઘટનાના પુનરાવર્તનને કારણે સૅમસંગ માટે ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે.

વિમાનમાં સૅમસંગના કયા મૉડલના મોબાઇલ ફોનમાંથી ધુમાડો નીકળ્યો હતો એની સ્પષ્ટતા સૅમસંગ, સાઉથવેસ્ટ ઍરલાઇન્સ અને અમેરિકન સરકારના એવિયેશન સેફ્ટી ઑફિસરોએ નહોતી કરી; પરંતુ ઇન્ડિયાનાની રહેવાસી સારાહ ગ્રીને લુઈવિલના કુરિયર-જર્નલને જણાવ્યું હતું કે ‘વિમાન ગેટ પાસે હતું ત્યારે મારા પતિ તેમના સૅમસંગ ગૅલૅક્સી Note7 ફોનને ચાર્જ કરતા હતા એ વખતે અચાનક એમાંથી અવાજો આવવા માંડ્યા અને ધુમાડા નીકળવા માંડ્યા હતા. અગાઉનો ગૅલૅક્સી Note7 ફોન બજારમાંથી પાછો ખેંચવામાં આવ્યો હોવાથી બે અઠવાડિયા પહેલાં મારા પતિ બ્રાયને તેમનો અગાઉનો ગૅલૅક્સી Note7 ફોન બદલાવ્યો ત્યારે એની સામે તેમને આ નવો સૅમસંગ ગૅલૅક્સી Note7 આપવામાં આવ્યો હતો. મારા પતિએ આ ઘટના બની હોવાની જાણકારી મને બીજાના ફોન દ્વારા આપી હતી.’