ચેન્નઈમાં પ્લેનમાં સૅમસંગનો ગૅલૅક્સી Note 2 માં આગ

24 September, 2016 04:20 AM IST  | 

ચેન્નઈમાં પ્લેનમાં સૅમસંગનો ગૅલૅક્સી Note 2 માં આગ




ઇન્ડિગો ઍરલાઇન્સનું આ વિમાન સિંગાપોરથી ચેન્નઈ સવારે પોણાછ વાગ્યે આવ્યું હતું. વિમાનમાં ૧૭૫ પ્રવાસી હતા અને વિમાને સલામત રીતે ઉતરાણ કર્યું હતું. આ ઘટના પછી DGCAએ ફ્લાઇટમાં સૅમસંગ ગૅલૅક્સી Note 2 ફોન સ્વિચ્ડ-ઑફ રાખવાની પૅસેન્જરોને સલાહ આપી છે.

ઍરલાઇન્સે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘વિમાનમાં અમુક પૅસેન્જરોને ધુમાડાની દુર્ગંધ આવી હતી અને તેમણે તરત ક્રૂ મેમ્બરને સતર્ક કર્યો હતો. આ ધુમાડો સીટ-નંબર ૨૩-સીના રેકમાંથી આવતો હતો. ક્રૂએ તરત જ આ ઘટનાની જાણ પાઇલટને કરી હતી અને પાઇલટે ઍર ટ્રાફિક કન્ટ્રોલને જાણ કરી હતી. ફોનની આગને એક્સ્ટિંગ્વિશરથી ઠારવામાં આવી હતી અને ફોનને પાણીના એક પાત્રમાં મૂકી દેવામાં આવ્યો હતો.’

DGCAએ બે અઠવાડિયાં પહેલાં ફ્લાઇટમાં સૅમસંગ ગૅલૅક્સી Note 7 લઈ જવા પર પ્રતિબંધ મૂક્યા હતો, કારણ કે કેટલાક દેશોમાં આ ફોનની બૅટરી ફ્લાઇટ દરમ્યાન ફાટી જવાની ઘટનાઓ બની હતી. જોકે સૅમસંગના ફોનને પ્લેનમાં આગ લાગી હોય એવો ભારતમાં આ પહેલો બનાવ છે.

આ મુદ્દે DGCAએ ૨૬ સપ્ટેમ્બરે સૅમસંગના અધિકારીઓને મળવા બોેલાવ્યા છે.