SPનો પારિવારિક ઝઘડો એક ડ્રામા હતો જેની સ્ક્રિપ્ટ મુલાયમ સિંહે જ લખી હતી : અમર સિંહનો ચોંકાવનારો દાવો

23 February, 2017 05:39 AM IST  | 

SPનો પારિવારિક ઝઘડો એક ડ્રામા હતો જેની સ્ક્રિપ્ટ મુલાયમ સિંહે જ લખી હતી : અમર સિંહનો ચોંકાવનારો દાવો




સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ મહાસચિવ અમર સિંહે સનસનાટીભર્યો દાવો કરતાં કહ્યું હતું કે ‘તાજેતરમાં સમાજવાદી પાર્ટીમાં થયેલો વિવાદ એક નાટક હતું. મુલાયમ સિંહનો પુત્ર

અખિલેશ સાથે સત્તાનો સંઘર્ષ પૂરી રીતે બનાવટી હતો અને એની સ્ક્રિપ્ટ મુલાયમ સિંહ યાદવે પોતે લખી હતી.’

એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં અમર સિંહે કહ્યું હતું કે મુલાયમ સિંહ અને અખિલેશ યાદવ બન્ને એક છે અને એક જ રહેશે.

તાજેતરમાં સમાજવાદી પાર્ટીમાં થયેલા વિવાદને એક નાટક જણાવતાં અમર સિંહે કહ્યું હતું કે ‘આ એક રચેલું નાટક હતું જેમાં અમને સૌને ભજવવા એક રોલ આપવામાં આવ્યો હતો. મને પાછળથી ખ્યાલ આવ્યો કે મને વાપરવામાં આવી રહ્યો છે. મને જાણ થઈ કે આ નાટક શાસનવિરોધી લહેર અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે રચવામાં આવ્યું હતું. મુલાયમ સિંહને પોતાના પુત્રના હાથે હારવું પસંદ હતું. સાઇકલ, પુત્ર અને સમાજવાદી પાર્ટી તેમની નબળાઈ છે. મતદાન કરવા આખું કુટુંબ એકસાથે ગયું હતું. તો પછી થયેલું નાટક શા માટે?’

સમાજવાદી પાર્ટીમાં ફૂટમાં અખિલેશ અને રામગોપાલ યાદવ એક તરફ હતા તો અખિલેશના કાકા શિવપાલ યાદવ અને પિતા મુલાયમ સિંહ યાદવ બીજી તરફ હતા. અમર સિંહ આ સમયે મુલાયમ સાથે હતા. અમર સિંહને બહારના માણસ ગણાવીને અખિલેશે કહ્યું હતું કે ઝઘડાનું મૂળ અમર સિંહ છે. સમાજવાદી પાર્ટીનાં આ બે જૂથોનો વિવાદ ચૂંટણીપંચ સુધી પહોંચ્યો હતો. એમાં ચૂંટણીપંચે અખિલેશને પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ માન્યા હતા અને તેમના જૂથને સાઇકલનું ચૂંટણીચિહ્ન આપ્યું હતું.