સમાજવાદી પાર્ટી સાથે મુલાયમે છેડો ફાડ્યો, નવો પક્ષ રચશે

06 May, 2017 03:16 AM IST  | 

સમાજવાદી પાર્ટી સાથે મુલાયમે છેડો ફાડ્યો, નવો પક્ષ રચશે


સમાજવાદી પાર્ટીમાં ચાલતો સંઘર્ષ ગઈ કાલે ફરી એક વાર સપાટી પર આવ્યો હતો. પક્ષના સિનિયર નેતા શિવપાલ યાદવે જાહેરાત કરી હતી કે સેક્યુલર મોરચાની હું રચના કરીશ અને એનું વડપણ મુલાયમ સિંહ યાદવ સંભાળશે.

તાજેતરમાં યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં શિવપાલ યાદવે તેમની જસવંતનગર બેઠક જાળવી રાખી હતી. તેમણે તાજેતરમાં ચેતવણી આપી હતી કે અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીની લગામ તેમના પિતા મુલાયમ સિંહ યાદવના હાથમાં ત્રણ મહિનામાં ફરી નહીં સોંપે તો સેક્યુલર મોરચાની રચના કરવામાં આવશે.

યાદવ પરિવારના ગઢ ગણાતા ઇટાવામાં પત્રકારો સાથે વાત કરતાં શિવપાલ યાદવે કહ્યું હતું કે સમાજવાદી સેક્યુલર મોરચાની રચના સામાજિક ન્યાય માટે કરવામાં આવશે અને મુલાયમ સિંહ એના રાષ્ટ્રીય પ્રમુખ બનશે.

પોતાના એક સગાને ત્યાં ગઈ કાલે સવારે મુલાયમ સિંહ સાથે મુલાકાત કર્યા બાદ શિવપાલ યાદવે આ જાહેરાત કરી હતી. શિવપાલ યાદવે નવા સેક્યુલર મોરચાની રચના બાબતે મુલાયમ સિંહ સાથે ચર્ચા કરી હતી.

જોકે નવો સેક્યુલર મોરચો સમાજવાદી પાર્ટી સામે ચૂંટણી લડશે કે સમાજવાદીઓને એક છત્ર હેઠળ એકઠા કરીને એને મજબૂત કરશે એ સંબંધે કોઈ સ્પષ્ટતા શિવપાલ યાદવે કરી નહોતી.

સમાજવાદીઓને એક મંચ પર લાવવા માટે ટૂંક સમયમાં ઝુંબેશ શરૂ કરવાની વાત શિવપાલ યાદવ ઘણા વખતથી કરી રહ્યા છે.