સલમાનને શ્રીલંકા શા માટે લઈ ગઈ જૅકલિન?

30 December, 2014 03:42 AM IST  | 

સલમાનને શ્રીલંકા શા માટે લઈ ગઈ જૅકલિન?





શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્સા ફરી ચૂંટાઈ આવે એ માટે બૉલીવુડ સ્ટાર સલમાન ખાન તેમનો ચૂંટણીપ્રચાર કરી રહ્યો છે. શ્રીલંકામાં ચૂંટણીપ્રચાર માટે કોઈ ભારતીય ફિલ્મસ્ટારની મદદ લેવામાં આવી હોય એવો આ પહેલો કિસ્સો છે.

સ્થાનિક વેબસાઇટ એશિયનમિરર પર પ્રકાશિત એક અહેવાલ અનુસાર, સલમાનની સાથે શ્રીલંકામાં જન્મેલી જૅકલિન ફર્નાન્ડિસ અને બૉલીવુડના બીજા પાંચ પર્ફોમર્સ પણ જોડાયા છે. માત્ર સલમાન ખાન જ નહીં, ગ્થ્ભ્ના સોશ્યલ મીડિયા ગુરુ અરવિંદ ગુપ્તા પણ રાજપક્સાને ચૂંટણીપ્રચારમાં મદદ કરી રહ્યા છે.  રાજપક્સાના પુત્ર અને સંસદસભ્ય નમલે સલમાન ખાનને ચૂંટણીપ્રચારમાં ભાગ લેવાનું નોતરું પાઠવ્યું હતું. ભૂતપૂર્વ મિસ શ્રીલંકા જૅકલિન ફર્નાન્ડિસ અને નમલની લાંબા સમયથી ફ્રેન્ડશિપ છે.

મહિન્દા રાજપક્સા પોતાની શાસક યુતિમાંથી અનેક સભ્યો વિરોધપક્ષના નેતા મૈત્રીપાલ સિરિસેના સાથે જોડાઈ ગયા હોવાથી ચિંતિત છે. રાજપક્સાએ લોકપ્રિયતા ગુમાવી હોવાનું પણ માનવામાં આવે છે.

રાષ્ટ્રપતિપદની ચૂંટણી આઠમી જાન્યુઆરીના રોજ યોજાવાની છે. સપ્ટેમ્બરની સ્થાનિક ચૂંટણીમાં ૨૧ ટકાથી વધુ મતો ગુમાવ્યા બાદ પોતાના પક્ષની લોકપ્રિયતામાં વધુ ઘટાડો ન થાય એ માટે રાજપક્સાએ નિર્ધારિત સમય કરતાં બે વર્ષ વહેલી ચૂંટણી યોજવાનો ફેંસલો કર્યો હતો.